લંડનઃ ઇસ્ટ લંડનમાં બાળકો પર બળાત્કારના કેસમાં 26 વર્ષીય વ્રજ પટેલને 22 વર્ષ કેદ ફટકારવામાં આવી છે જ્યારે તેના ભાઇ કિશન પટેલને બાળકોની અશ્લિલ તસવીરો રાખવા માટે 15 મહિનાની કેદ ફટકારાઇ છે. સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા બંને ભાઇઓને સજાની સુનાવણી બાદ મેટ પોલીસે અન્ય સંભવિત પીડિતોને પણ સામે આવવાની અપીલ કરી છે.
ડિટેક્ટિવ સાર્જન્ટ રોબ બ્લાન્ટે જણાવ્યું હતું કે, વ્રજ પટેલ કાયર તકવાદી અપરાધી હતો જે પોતાના જાતીય સંતોષ માટે બાળકોને નિશાન બનાવતો હતો. તે મહિલાઓ અને બાળકો માટે કેટલો ખતરનાક હતો તે તેને અપાયેલી સજાથી પૂરવાર થાય છે.
પોલીસ સ્ટેટમેન્ટ અનુસાર વ્રજ પટેલે 13 વર્ષના બાળક પર બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરી હતી. તે ઉપરાંત તેણે 16 વર્ષથી વધુ વયની એક મહિલાને પણ પોતાનો શિકાર બનાવી હતી. વ્રજ પટેલના ભાઇ કિશન પટેલને બાળકોની અશ્લિલ તસવીરો લેવા માટે સજા કરાઇ છે. તે ઉપરાંત તેને 10 વર્ષનો સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર પણ જારી કરાયો છે. વ્રજ પટેલને આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં સામેલ કરાયો છે.