લંડનના હિથ્રો એરપોર્ટે સપ્ટેમ્બર સુધી દૈનિક એક લાખ પ્રવાસીઓઓની મર્યાદા લાદી

ગ્રાઉન્ડ સ્ટાફની અછતને પગલે લેવાયેલા નિર્ણયથી એરટિકિટ વેચાણ પર કાપ મૂકવાની એરલાઇન્સોને ફરજ પડી

Wednesday 20th July 2022 06:03 EDT
 
 

લંડન

ટ્રાવેલ ડિમાન્ડમાં થયેલા વધારાના કારણે લંડનના હિથ્રો એરપોર્ટના સત્તાવાળાઓએ સપ્ટેમ્બર મહિના સુધી રોજના એક લાખ પ્રવાસીઓની મર્યાદા લાદવાની જાહેરાત કરી છે. હિથ્રો એરપોર્ટે 11 સપ્ટેમ્બર સુધી રોજના એક લાખ પ્રવાસીઓને જ પરવાનગી આપશે. એરપોર્ટ સત્તાવાળાઓએ આ માટે એરલાઇન્સ કંપનીઓને ટિકિટ વેચવામાં મર્યાદા રાખવા સૂચના અપાઇ છે.

એક અંદાજ પ્રમાણે હિથ્રો એરપોર્ટ પર ઊનાળા દરમિયાન રોજના એક લાખ 4 હજાર પ્રવાસીઓને જ પરવાનગી અપાશે. સમર સિઝનમાં પ્રવાસીઓની સંખ્યામાં તોતિંગ વધારો થતાં બેગ હેન્ડલિંગ અને અન્ય સુવિધાઓમાં ગ્રાઉન્ડ સ્ટાફને પડી રહેલી હાલાકી અને સર્જાતી અંધાધૂંધીથી બચવા માટે આ પગલું લેવાયું હોવાનું મનાય છે. હિથ્રો એરપોર્ટના જણાવ્યા અનુસાર અમે હજુ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યાં નથી. અમારે નવા કર્મચારીઓ નિયુક્ત કરવાની જરૂર છે. બેગ હેન્ડલિંગમાં કર્મચારીઓની અછત વર્તાઇ રહી છે. કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ નોકરી છોડી હતી અને કોરોના મહામારી બાદ સમર સિઝનમાં પ્રવાસીઓની સંખ્યા વધી જતાં હિથ્રો એરપોર્ટ પર વારંવાર અંધાધૂંધી સર્જાઇ રહી હતી.

બ્રિટિશ એરવેઝ જેવી કેટલીક એરલાઇન્સે સમર સિઝનની કેટલીક ફ્લાઇટ રદ કરી દીધી છે. રોજની 4000 સીટના સ્થાને અત્યારે બ્રિટિશ એરવેઝ ફક્ત 1500 ટિકિટ વેચી રહી છે. હિથ્રોના સીઇઓ હોલેન્ડ કાયેએ જણાવ્યું હતું કે, અમે એરપોર્ટ ખાતે આ ઊનાળામાં પ્રવાસીઓને કોઇ મુશ્કેલી ન પડે અને તેમનો પ્રવાસ સુરક્ષિત બની રહે તેમ ઇચ્છીએ છીએ. પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થાન પર તેમનો સામાન સહીસલામત મળે તેવી અમારી ઇચ્છા છે. ગયા મહિને લંડનના ગેટવિક એરપોર્ટે જુલાઇમાં રોજની 825 અને ઓગસ્ટમાં રોજની 850 ફ્લાઇટનું સંચાલન કરવાની જાહેરાત કરી હતી. એમ્સ્ટર્ડડેમના એરપોર્ટ પર પણ ફ્લાઇટની સંખ્યા મર્યાદિત કરાતા કેએલએમ એરલાઇન્સને મર્યાદિત ટિકિટનું વેચાણ કરવાની ફરજ પડી રહી છે.

------------------------------------------------

હિથ્રોના નિર્ણયનો એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઊગ્ર વિરોધ

સપ્ટેમ્બર સુધી રોજના એક લાખ પ્રવાસી જ હેન્ડલ કરવાની હિથ્રો એરપોર્ટની જાહેરાતનો એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડિરેક્ટર જનરલ વિલી વોલ્શે જણાવ્યું હતું કે, એર ટ્રાફિકમાં પ્રચંડ વધારો થવાની સંભાવનાને જોતાં હિથ્રો એરપોર્ટ સત્તાવાળાઓએ અગાઉથી તૈયારીઓ કરવાની જરૂર હતી પરંતુ તેમણે આ સંભાવનાની અવગણના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter