લંડનની ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આગજની કરનાર બે સગીરને 10 વર્ષની કેદ

ઇન્ડિયન અરોમા પરના હુમલામાં કેટલાક ગ્રાહકો ગંભીર રીતે દાઝી ગયા હતા

Tuesday 06th October 2026 10:38 EDT
 
 

લંડનઃ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લંડનની ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આગજની કરનાર બે સગીરને 10 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ બંને કિશોરોએ અન્ય એક સાથી સાથે મળીને પૂર્વ લંડનમાં આવેલી ઇન્ડિયન અરોમા રેસ્ટોરન્ટમાં માસ્ક પહેરીને હુમલો કર્યો હતો. તેમણે તલવારો અને તીક્ષ્ણ હથિયારો બતાવીને ગ્રાહકોને ધમકાવ્યા હતા અને રેસ્ટોરન્ટના ફર્નિચર તથા જમીન પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.

આ ભયાનક આગની લપેટમાં આવવાથી કેટલાક ગ્રાહકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમાં એક યુવતી 50 ટકા દાઝી જતાં મેડિકલી ઈન્ડ્યુસ્ડ કોમામાં રાખવી પડી હતી, જ્યારે તેના પતિના શરીર પર 51 ટકા બર્ન્સ આવ્યા હતા.

કોર્ટમાં ટ્રાયલ ચાલ્યા બાદ જ્યુરીએ બંને કિશોરોને જીવ જોખમમાં મૂકવાના ઈરાદા સાથે આચરવામાં આવેલા આગજનીના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. સજા સંભળાવતા જજ માઈકલ ગ્રીવ કેસીએ જણાવ્યું હતું કે આ એક વ્યવસ્થિત અને પૂર્વઆયોજિત કાવતરું હતું, જેને અન્ય કોઈ અનુભવી ગુનેગારની દોરવણીથી અંજામ અપાયો હોવાની શક્યતા છે.  ઓછી વયના કારણે કાયદાકીય નિયમો મુજબ દોષિત કિશોરોના નામ જાહેર કરવામાં આવ્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter