લંડનઃ લંડનની કાઉન્સિલોએ ચેતવણી આપી છે કે તેમના પર આર્થિક કટોકટી ઝળુંબી રહી છે. કાઉન્સિલો નાદારીમાં ધકેલાઇ જવાનું જોખમ સર્જાયું છે જેના કારણે સ્થાનિક સેવાઓ બંધ થઇ શકે છે. ક્રોયડોનની કાઉન્સિલ 2020થી 3 વાર નાદારી જાહેર કરી ચૂકી છે. સ્વતંત્ર રીતે સંચાલિત હેવરિંગ કાઉન્સિલે જણાવ્યું છે કે ખર્ચમાં કાપ મૂકવા છતાં તે આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.
સમગ્ર લંડનની કાઉન્સિલો પણ નાદારી નોંધાવે તેવો ભય પ્રવર્તી રહ્યો છે. ઇંગ્લેન્ડમાં દર પાંચમાંથી એક કાઉન્સિલના આગેવાનોએ ચેતવણી આપી છે કે આગામી વર્ષોમાં તેમના બરો નાદાર થઇ શકે છે. બજેટ ખાધને પૂરવા માટેના કાઉન્સિલોના પ્રયાસના કારણે કાઉન્સિલ કરદાતાઓના બિલ મોંઘા બની રહ્યાં છે. કાઉન્સિલો આના માટે વધી રહેલા ખર્ચ અને હોમલેસ લોકોની સંખ્યામાં વધારાને જવાબદાર ગણાવી રહ્યાં છે.
લંડનના 32 બરો પણ આ વર્ષે બજેટ કરતાં વધુ ખર્ચ થવાનો અંદાજ માંડી રહ્યાં છે. મોટાભાગના બરોનું કહેવું છે કે તેમને ખર્ચને પહોંચી વળવા અને સેવાઓ જારી રાખવા માટે અનામત ભંડોળનો ખર્ચ કરવો પડશે. લંડનની કાઉન્સિલોના ડેપ્યુટી ચેરવુમન ક્લેર હોલેન્ડે જણાવ્યું છે કે સ્થાનિક સેવાઓની માગમાં વધારાના કારણે આ કટોકટી સર્જાઇ છે. સરકાર ઘણા વર્ષોથી આ સેવાઓ માટે ભંડોળ આપતી નથી. જેના કારણે બરોને પોતાની જાતે જ વ્યવસ્થા કરવાની રહે છે.
ઇંગ્લેન્ડની 128માંથી 74 કાઉન્સિલમાં આર્થિક તંગી
ચીફ એક્ઝિયુટિવ, લીડર્સ, કેબિનેટ મેમ્બર્સના એક સરવે અનુસાર 128 ઇંગ્લિશ કાઉન્ટીઓમાંથી 58 ટકા એટલે કે 74 કાઉન્સિલ આગામી પાંચ વર્ષમાં નિયમ 114 અંતર્ગત નાદારી નોંધાવે તેવી સંભાવના છે. 14 કાઉન્સિલ તો આગામી નાણાકીય વર્ષમાં જ નિયમ 114 અંતર્ગત નોટિસ જારી કરી શકે છે.

