લંડનઃ ગ્લોબલ લીગ યાદીમાં લંડનની ચાર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની પીછેહઠ જોવાં મળી છે. આ વર્ષના ધ વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગ્સની ટોપ ૧૦૦ની યાદીમાં યુકેની માત્ર નવ સંસ્થાને સ્થાન પ્રાપ્ત થયું છે, જે સંખ્યા ગત વર્ષે ૧૦ની હતી. કેમ્બ્રિજ યુકેની ઉચ્ચ યુનિવર્સિટી છે જેણે વૈશ્વિક યાદીમાં પોતાનો ચોથો ક્રમ જાળવી રાખ્યો છે, જ્યારે ગત વર્ષે સંયુક્ત ચોથું સ્થાન ધરાવનાર ઓક્સફર્ડ યુનિવર્સિટી પાંચમાં સ્થાને આવી છે. રેન્કિંગ્સમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટી યુએસની છે, જેમાં હાર્વર્ડ યુનિવર્સિટી, મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો સમાવેશ થયો છે.
પ્રથમ ૧૦ની યાદીમાં યુએસની આઠ શૈક્ષણિક સંસ્થા છે, જ્યારે યુકેની બે સંસ્થા છે. સમગ્રતયા પ્રથમ ૧૦૦ સંસ્થાની યાદીમાં યુએસની ૪૪ યુનિવર્સિટીઓ પછી યુરોપની ૩૩ સંસ્થા છે, જેમાં યુકે પછી જર્મની (૬ યુનિ.) અને ધ નેધરલેન્ડ્સ (૫ યુનિ.)નો સમાવેશ થાય છે.
યુકેની અન્ય નોંધપાત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિવર્સિટી કોલેજ લંડન (સંયુક્ત ૧૮મા ક્રમે-બે સ્થાન નીચે) અને ઈમ્પિરીયલ કોલેજ લંડન (૨૦મો ક્રમ-બે સ્થાન નીચે), લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ (૨૫મો ક્રમ--પાંચ સ્થાન નીચે), એડિનબરા યુનિવર્સિટી (૩૫મો ક્રમ- એક સ્થાન નીચે), કિંગ્સ કોલેજ, લંડન (૪૨મો ક્રમ- એક સ્થાન નીચે)નો સમાવેશ થાય છે. માન્ચેસ્ટર યુનિવર્સિટી (સંયુક્ત ૫૧મા ક્રમે) અને વોરવિક યુનિવર્સિટી (સંયુક્ત ૮૧મા ક્રમે) આવે છે. આ વૈશ્વિક રેન્કિંગમાં રીસર્ચ અને શિક્ષણમાં દરેક સંસ્થાની પ્રતિષ્ઠા ધ્યાનમાં લેવાઈ હતી તેમજ વિશ્વના ૧૩૮ દેશમાંથી ૧૦,૧૦૦થી વધુ એકેડિમિક્સના સર્વે પર તે આધારિત છે.


