લંડનઃ લંડન અંડરગ્રાઉન્ડ અને રેલવે સેવાઓના ભાડામાં માર્ચ 2025થી 4.6 ટકાનો વધારો થશે. જોકે બસ અને ટ્રામના ભાડાંમાં કોઇ વધારો નહીં કરાય. મેયર સાદિક ખાને જણાવ્યું છે કે ફુગાવાના દરમાં બમણા વધારા અને સરકારે મને ભાડામાં વધારો કરવાની ફરજ પાડી છે. સરકાર એમ માને છે કે મહત્વના ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ માટે સહાય આપવા આ પ્રકારનો વધારો જરૂરી છે.
સાદિક ખાને જણાવ્યું હતું કે, સરકારના બજેટ બાદ મને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં મહત્વના ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ માટે સરકારની સહાય મેળવવા ટીએફએલ ટ્યુબ, રેલવે ભાડા રાષ્ટ્રીય રેલવે ભાડાની તર્જ પર વધારવા પડશે. સરકારી સહાય અત્યંત મહત્વની છે કારણ કે આપણે તેના દ્વારા સુપરલૂપ 2 અને ટ્યુબ નેટવર્ક અપગ્રેડ કરવાના ભાવિ પ્રોજેક્ટ્સનું કામ ઝડપી બનાવી શકીશું.
એક અંદાજ પ્રમાણે ટ્રાન્સપોર્ટ ફોર લંડનની પ્રતિદિન પ્રાઇસ કેપ 40થી 70 પેન્સની વચ્ચે વધી શકે છે. જોકે બસ અને ટ્રામની એક કલાકથી ઓછી મુસાફરી માટેની પ્રાઇસ કેપ 1.75 પાઉન્ડ પર યથાવત રાખવામાં આવશે. 2016થી લંડનમાં બસ અને ટ્રામના ભાડામાં વધારો કરાયો નથી.
સરકારે ઓક્ટોબરમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે માર્ચ 2025થી રાષ્ટ્રીય રેલવે ભાડામાં 4.6 ટકાનો વધારો કરાશે.


