લંડનઃ યુકેની મસ્જિદોમાં જ મહિલા ચેરિટી સંસ્થાઓ મારફત છોકરીઓને કટ્ટરતાના પાઠ પઢાવી ISISમાં જોડાવા સમજાવાતી હોવાનું બહાર આવ્યું છે. ઈસ્ટ લંડનની ૧૫ વર્ષીય શર્મીના બેગમ ડિસેમ્બરમાં ISISમાં જોડાવા ઘર છોડી ગઈ હતી. ત્રણ મહિના પછી તેની બેથનાલ ગ્રીન એકેડેમી શાળાની ત્રણ ગાઢ મિત્ર- અમીરા અબાસે, કદીઝા સુલતાના અને શમીના બેગમ પણ સીરિયા નાસી ગઈ હતી. શર્મીના સહિત ચારે તરુણીએ ઈસ્લામિક સ્ટેટના સીરિયન લડવૈયાઓ સાથે લગ્ન કરી લીધાં છે. દરમિયાન, સીરિયા ગયા પછી પેન્ટાગોનના કોમ્પ્યુટર્સ હેક કરનાર બ્રિટિશ કોમ્પ્યુટર નિષ્ણાત જુનૈદ હુસૈન યુએસ લશ્કરી દળોના ‘કિલ લિસ્ટ’માં ત્રીજા ક્રમે છે.
શરુઆતમાં તો ઈસ્લામિક અગ્રણીઓ અને પરિવારોએ છોકરીઓને ઈન્ટરનેટ મારફત લલચાવાઈ હોવાના દાવા કર્યા હતા, પરંતુ હવે એવો દાવો કરાય છે કે શર્મીનાને ઈસ્ટ લંડન મસ્જિદ, વ્હાઈટચેપલમાં જ સીરિયા જવા સમજાવાઈ હતી અને તેણે પોતાની ત્રણ મિત્ર સાથે ઘણી મીટિંગ્સ કરી તેમને પણ સમજાવી હતી. શર્મીનાના પરિવાર અને સગાં દ્વારા કરાયેલા આક્ષેપોને મસ્જિદ તેમજ ઈસ્લામિક ફોરમ ઓફ યુરોપ (IFE) દ્વારા નકારાયા છે. શર્મીનાને સીરિયા જવા પ્રોત્સાહિત કરવાના મામલે નોર્થ લંડનની બે યુવતીઓની ધરપકડ પણ કરાઈ હતી, જેઓ હાલ જામીન પર મુક્ત છે.
IFE ની મહિલા શાખા સિસ્ટર્સ ફોરમ અથવા મુસ્લિમાતના સભ્યોએ શર્મીના બેગમને કટ્ટરતાના પાઠ પઢાવ્યા હતા. આ સંસ્થાના એક શંકાસ્પદ બાંગલાદેશી કટ્ટર મુસ્લિમ સ્થાપક સામે તેના વતનમા ૧૮ હત્યા અને યુદ્ધઅપરાધોના આક્ષેપો છે.
બીજી તરફ, સીરિયા ગયા પછી યુએસના લશ્કરી વડા મથક પેન્ટાગોનના કોમ્પ્યુટર્સ હેક કરનાર બ્રિટિશ કોમ્પ્યુટર નિષ્ણાત જુનૈદ હુસૈન યુએસ લશ્કરી દળોના ‘કિલ લિસ્ટ’માં ત્રીજા ક્રમે છે. ‘જેહાદી જ્હોન’ મોહમ્મદ એમવાઝી અને ISISના નેતા અબુ બક્ર અલ-બગદાદી પછી હિટ લિસ્ટમાં સ્થાન ધરાવતો હુસૈન ઉર્ફ અબુ હુસૈન અલ-બ્રિટાની ‘સાઈબર કેલિફટ’ નામે ઓળખાતા ISIS હેકર્સનો વડો છે. તેને ટોની બ્લેરની અંગત માહિતીઓ ચોરવાના ગુનામાં ૨૦૧૨માં જેલની સજા થઈ હતી. તે જુલાઈ ૨૦૧૩માં સીરિયા નાસી ગયો હતો.
હુસૈને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઈટ હાઉસ પર ISISનો ધ્વજ ફરકાવવા અને મિડલ ઈસ્ટમાં ત્રાસવાદને ભંડોળ આપવા બ્રિટિશ બેન્કખાતાઓ ખાલી કરી દેવાની તેમજ યુએસ સ્ટોક માર્કેટ્સના હેકિંગની ધમકીઓ આપી છે. તેની પત્ની સેલી જોન્સ પણ ઈસ્લામિક સ્ટેટની હિંસાવાદી શાખા ખાનસા બ્રિગેડની નેતા હોવાનું મનાય છે.


