લંડનઃ 7 ઓગસ્ટ બુધવારના દિવસે લંડનનો આઇકોનિક ટાવર બ્રિજ ભારતીય સમુદાય માટે ઉજવણીનું કેન્દ્ર બની રહ્યો હતો. તેઓ અહીં બ્રિટનની મુલાકાતે આવેલા ભારતીય નૌકાદળના જહાજ તાબારને આવકારવા એકઠાં થયાં હતાં. તેમણે ભારત માતા કી જયના નારા સાથે જહાજને વધાવી લીધું હતું. તલવાર ક્લાસની ફ્રિગેટ આઇએનએસ તાબાર 7 થી 11 ઓગસ્ટ સુધી લંડનની મુલાકાતે પહોંચી છે. ભારતીય હાઇ કમિશન દ્વારા પણ ફ્રિગેટની તસવીર પોસ્ટ કરાઇ હતી જેના પર લખવામાં આવ્યું હતું, નમસ્તે લંડન.. ભારતીય ડાયસ્પોરાના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, લંડનના ટાવર બ્રિજ ખાતે ભારતીય નૌકાદળના જહાજને જોઇને અમે ઘણા ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છીએ. આઇએનએસ તાબારના નેવી બેન્ડે સેન્ટ્રલ લંડન ખાતે બોલીવૂડનું સંગીત પીરસીને લોકોનું મન મોહી લીધું હતું.


