લંડનઃ યુકે સ્થિત લોકપ્રિય તેલુગુ યુટ્યુબર એ. રામા નંદનાની હૈદરાબાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. નંદનાની યુકેમાં નંદુઝ વર્લ્ડ યુટ્યુબ ચેનલથી જાણીતી છે. વિદેશમાં નોકરીઓ અને વિઝા અપાવવાના નામે કથિત કૌભાંડ આચરવાના મામલે આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા લુકઆઉટ સર્ક્યુલરના આધારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેની અટકાયત કરી હતી.
અહેવાલો અનુસાર યુટ્યુબર રામા નંદના, તેના પતિ જગડલામુડી મધુકર અને સસરા મોહન રાવ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. એક યુકે નિવાસીએ આરોપ લગાવ્યો છે કે તેમણે વિઝા એક્સટેન્શન, રોજગાર સહાય અને સ્પોન્સરશિપ સર્ટિફિકેટ માટે 'ડેસ્ટિની કન્સલ્ટન્સી' સાથે સંકળાયેલા ખાતાઓમાં રૂપિયા 15 લાખ ચૂકવ્યા હતા. પીડિતના જણાવ્યા અનુસાર, વચન આપ્યા મુજબ સેવાઓ પૂરી પાડવામાં આવી ન હતી અને પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો બોગસ નીકળ્યા હતા. વારંવારની માંગણી બાદ માત્ર 2 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. બીજીતરફ નંદનાએ તમામ આરોપોને ફગાવી દેતા દાવો કર્યો છે કે તેઓ અથવા તેમના પતિ આ કન્સલ્ટન્સી ચલાવતા નથી, અને અંગત વિવાદોના કારણે તેમને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.


