લંડનઃ લંડનની સડકો પર પાનની પિચકારીના ડાઘાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ બન્યો છે. લંડનની રેયનર્સ લેનથી નોર્થ હેરો સુધીના વિસ્તારોમાં ઠેર ઠેર પાનની પિચકારીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ડસ્ટબિન, પેવમેન્ટ્સ અને સડકો પર પાનની પિચકારીના ડાઘા જોવા મળી રહ્યાં છે. રેયનર્સ લેનના રહેવાસીઓનો આરોપ છે કે પાનની પિચકારીઓનું પ્રમાણ વધી ગયું છે. પાન અને તમાકુનું વેચાણ કરતી દુકાનની આસપાસના વિસ્તારોમાં આ પ્રમાણ વધુ છે. ઘણા લોકો આના માટે માઇગ્રન્ટ્સ અને વિશેષ કરીને ભારતીય સમુદાયના લોકોને જવાબદાર ગણાવી રહ્યાં છે.
લંડનના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઇ ટીમો દ્વારા કામ શરૂ કરાયું છે. પાનની પિચકારી મારવા સામે ચેતવણી આપતા બોર્ડ મૂકવામાં આવશે. વારંવાર આ અપરાધ કરનારાને પેનલ્ટી પણ ફટકારાશે.
લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી છે કે આ દુષણ માટે ગુજરાતી, પંજાબી અને ગોવનો જવાબદાર છે. ટ્રમ્પે તાત્કાલિક યુકેનો કબજો લેવો જોઇએ. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ભારતની છાપ ખરડતા લોકોની જરૂર નથી. ભારતીયો સમગ્ર વિશ્વમાં સારી નામના મેળવી રહ્યાં છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આવા દુષણોના કારણે જ ભારતીય પાસપોર્ટ તેનું ગૌરવ ગુમાવી રહ્યો છે.
2019માં લેસ્ટરમાં પોલીસને પાનની પિચકારી મારતા લોકોને ચેતવણી આપવા અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પોસ્ટર લગાવવાની ફરજ પડી હતી. આ માટે 100 કરતાં વધુ પાઉન્ડની પેનલ્ટી પણ લાદવામાં આવી હતી. 2014માં બ્રેન્ટ કાઉન્ટીને પાનની પિચકારીઓના ડાઘાની સફાઇ માટે 20,000 પાઉન્ડનો ખર્ચ કરવો પડ્યો હતો.