લંડનઃ 15 વર્ષીય એલિયાને એન્ડમની હત્યાને લક્ષ્યમાં લેતાં લંડનના મેયર સાદિક ખાને વિદ્યાર્થીઓ પાસે ઘાતકી હથિયાર છે કે કેમ તેની ચકાસણી કરી શકાય તે માટે લંડનની તમામ 500 સેકન્ડરી સ્કૂલને નાઇફ વેન્ડ મેટલ ડિટેક્ટરની ઓફર આપી છે. વિદ્યાર્થીઓમાં વધી રહેલા હિંસાના પ્રમાણને નાથવા સપોર્ટ, રિસોર્સ અને ફંડ ઉપલબ્ધ કરાવવાની તૈયારી પણ મેયરે દર્શાવી છે અને આ માટે તેમણે હેડટીચર્સને પત્ર લખ્યાં છે.
એલિયાનેની હત્યાના આરોપી એવા 17 વર્ષીય કિશોર સામે આગામી વર્ષે ખટલાની સુનાવણી શરૂ કરાશે. તેણે એલિયાને સ્કૂલ જઇ રહી હતી ત્યારે રસ્તામાં તેની હત્યા કરી નાખી હતી. ખાને જણાવ્યું હતું કે, શાળાઓ નાઇફ વેન્ડ મેટલ ડિટેક્ટરના ઉપયોગ માટે વિનંતી કરી શકે અને વિદ્યાર્થીઓમાં અપરાધો અટકાવવા પર સલાહ માટે મેટ્રોપોલિટન પોલીસ તેના અધિકારીઓ ઉપલબ્ધ કરાવશે.

