લંડનઃ લંડનની શાળાઓમાં ઓરીનો વાવડ માઝા મૂકી રહ્યો છે. મોટી સંખ્યામાં બાળકો ઓરીના રોગચાળામાં સપડાઇ રહ્યાં છે. હેલ્થ સિક્યુરિટી એજન્સીએ વાલીઓને તેમના બાળકોને ઓરીની રસી અપાવી દેવાની અપીલ કરી છે. ઓરીના કારણે બાળકના આરોગ્યનું ગંભીર જોખમ સર્જાય છે.
એજન્સીએ જણાવ્યું છે કે જો તમારું બાળક શાળામાં ઓરીની રસી લેવાનું ચૂકી ગયું હોય તો તમે કેચ અપ ક્લિનિક ખાતે રસી અપાવી શકો છો. આ રસી વિનામૂલ્યે આપવામાં આવે છે.
એનએચએસના જણાવ્યા અનુસાર નોર્થ લંડનની શાળાઓ અને વિશેષ કરીને એનફિલ્ડમાં ઓરીની બીમારી વેગ પકડી રહી છે. એનફિલ્ડની 7 શાળાના 34 બાળકોને ઓરીનો ચેપ લાગ્યો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડમાં ઓરીના 96 કેસ સામે આવ્યાં હતાં.
એનફિલ્ડના કાઉન્સિલર એલેવ કાઝીમોગલુએ જણાવ્યું હતું કે, ઓરીના રોગનો શિકાર મુખ્યત્વે બાળકો બની રહ્યાં છે. કેટલાંક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યાં છે.
ડો. વેનેસા સલિબાએ જણાવ્યું હતું કે, ઓરીની રસની ન લીધી હોય તેવા 10 કરતાં ઓછા વર્ષના બાળકોમાં કેસ વધુ જોવા મળી રહ્યાં છે. ઓરીના કારણે બાળકના આરોગ્ય પર લાંબાગાળાની અસર થઇ શકે છે. એમએમઆરવીની રસીના બે ડોઝ બાળકને અપાવવાથી આ રોગને અટકાવી શકાય છે.


