લંડનઃ વેન્ડ્સવર્થ કાઉન્સિલમાં આવેલી લંડનની પ્રથમ ફઝલ મસ્જિદ ખાતે 24 માર્ચના મંગળવારના રોજ કાઉન્સિલના ગ્રીન પ્લેકનું અનાવરણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અહમદિયા મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહ્યાં હતાં.
સાઉથફિલ્ડ્સના ગ્રેસેનહોલ રોડ પર આવેલા ફઝલ મસ્જિદ બ્રિટિશ ઇતિહાસમા અનોખુ સ્થાન ધરાવે છે. 1926માં શરૂ કરાયેલી આ મસ્જિદ આસ્થા અને બ્રિટિશ સમાજમાં મુસ્લિમ સમુદાયના લાંબાસમયના યોગદાનનું પ્રતીક છે.
ગ્રીન પ્લેકનું અનાવરણ થતા મસ્જિદના ઐતિહાસિક મહત્વ, નમાઝ, આંતરધર્મી સંવાદ અને કોમ્યુનિટી સર્વિસના કેન્દ્ર તરીકેના તેના યોગદાનને માન્યતા મળી છે. કાર્યક્રમમાં મેયર જેરેમી અમ્બાચે, કાઉન્સિલ લીડર સાયમન હોગ અને મહાનુભાવો તથા સમુદાયના સભ્યો હાજર રહ્યાં હતાં.
અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટી યુકેના રાષ્ટ્રીય પ્રમુખ રફીક હયાતે જણાવ્યું હતું કે, ફઝલ મસ્જિદ ફક્ત નમાઝનું નહી પરંતુ શાંતિ, એકતા અને માનવતાની સેવાનું પ્રતીક છે. એક સદીથી તે કરુણા, ન્યાય અને ઇસ્લામિક મૂલ્યોની દીવાદાંડી બની રહી છે. કાઉન્સિલના ગ્રીન પ્લેક દ્વારા તેના વારસાને માન્યતા અપાઇ છે. અમે આવનારી પેઢીઓ માટે બ્રિટિશ સમાજમાં સકારાત્મક યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ.


