લંડનઃ રોઝવૂડ હોટેલ એન્ડ રિસોર્ટ લંડનમાં સૌથી વધુ ખર્ચે હોટેલનું નિર્માણ કરવા જઇ રહી છે અને આ ભગીરથ કાર્ય રાધા અરોરા સંભાળી રહ્યાં છે. મહત્વની વાત તો એ છે કે આ હોટેલ મેફેરમાં ગ્રોસવેનોર સ્ક્વેર ખાતે આવેલી અમેરિકાની પૂર્વ એમ્બેસી ખાતે બની રહી છે.
રાધા અરોરાના જણાવ્યા અનુસાર આ હોટેલના નિર્માણ પાછળ 1 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરાશે. હોટેલમાં 144 સ્યૂટ તૈયાર કરાશે અને પ્રતિ સ્યૂટ પાછળ 7 મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. સૌથી સસ્તો સ્યૂટ 1500 પાઉન્ડ પ્રતિ પાઉન્ડનો રહેશે. પેન્ટહાઉસમાં બે સ્યૂટ તૈયાર કરાશે અને તેને સ્વ. મહારાણી એલિઝાબેઝ દ્વિતીય અને કિંગ ચાર્લ્સ તૃતીયના નામ અપાશે. આ બંને સ્યૂટનું ભાડું પ્રતિ નાઇટ 60,000 પાઉન્ડ રહેશે.
1960માં તૈયાર થયેલી આ ઇમારત 2008માં અમેરિકા દ્વારા વેચી દેવાઇ હતી. રિટ્ઝ એન્ડ ફોર સીઝન્સને મેનેજ કરનારા અરોરા હવે આ પ્રોજેક્ટ સંભાળી રહ્યાં છે. તેઓ ઓક્ટોબરમાં અમેરિકન સ્ટાઇલની પાર્ટીનું આયોજન કરવાના છે. શું આ પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ અપાશે તેવા સવાલના જવાબમાં અરોરા કહે છે કે તેમને ખુલ્લું આમંત્રણ છે. મને વિશ્વાસ છે કે તેઓ આવશે અને આશ્ચર્યચકિત થઇ જશે.