લંડનઃ લંડનમાં વર્ષ 2025ના જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં ગેરકાયદેસર કામદારોને નોકરી પર રાખનારા 61 બિઝનેસને 3.2 મિલિયન પાઉન્ડ કરતાં વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 2024ના પ્રથમ 3 મહિનામાં આ પ્રકારના બિઝનેસની સંખ્યા 40 હતી જેમને 2.8 મિલિયન પાઉન્ડનો દંડ કરાયો હતો.
યુકેમાં કામ કરવાની પરવાનગી ન હોય તેવા ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખનારા 24 બિઝનેસ રેસ્ટોરન્ટ હતાં. દંડાનાર બિઝનેસોમાં કાર વોશ, નેઇલ બાર, હેર ડ્રેસર, કોર્નર શોપ અને કેર પ્રોવાઇડર્સનો પણ સમાવેશ થાય છે.
હોમ ઓફિસ, ડિફેન્સ મિનિસ્ટ્રી અને એચએમઆરસી સાથે કોન્ટ્રાક્ટ ધરાવતી ફ્રેન્ચ સર્વિસ કંપની સોડેક્સોને ગેરકાયદેસર કામદારને નોકરી પર રાખવા માટે 55,000 પાઉન્ડનો દંડ કરાયો હતો.
સરકારે ગેરકાયદેસર લોકોને નોકરી પર રાખનારા બિઝનેસ માટેના દંડની રકમ 15,000 પાઉન્ડથી વધારી દીધી છે. પહેલીવાર ઝડપાયેલા બિઝનેસને 45,000 પાઉન્ડનો દંડ કરાય છે. વારંવાર ઉલ્લંઘન કરનાર બિઝનેસને પ્રતિ ગેરકાયદેસર કર્મચારી 60,000 પાઉન્ડના દેડની જોગવાઇ છે.


