લંડનઃ આગામી થોડા મહિનામાં લંડનમાં ડ્રાઇવરલેસ ટેક્સી દોડતી થઇ જશે. લંડનની ટ્રાન્સપોર્ટેશન મહત્વાકાંક્ષાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું બની રહેશે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની માલિકીની વેમો કંપની આગામી વર્ષના પ્રારંભથી લંડનમાં ડ્રાઇવરલેસ ટેક્સીનું સંચાલન કરવાની યોજના પર કામ કરી રહી છે.
વેમો ઉપરાંત ઉબેર અને વેવી કંપનીઓ પણ આગામી વર્ષથી લંડનમાં સેલ્ફ ડ્રાઇવિંગ રાઇડ શેરિંગ સેવાઓ માટેની ટ્રાયલ હાથ ધરવાની જાહેરાત કરી ચૂકી છે. વેમો કંપનીનો પ્રારંભ વર્ષ 2009માં સ્ટેનફોર્ડ સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટીમના સ્ટાફ દ્વારા કરાયો હતો. હાલમાં આ કંપની અમેરિકાના વિવિધ શહેરો અને જાપાનના ટોકિયોમાં જેગુઆર આઇપેસ એસયુવીના કાફલાનું સંચાલન કરી રહી છે.
ગયા વર્ષે આ કંપનીએ પ્રતિ સપ્તાહ 2,50,000 પેઇડ રાઇડ્સનું સંચાલન કર્યું હતું. જોકે કંપનીની રાઇડ સામાન્ય ટેક્સી કરતાં મોંઘી પડે છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લંડનની સડકો પર ટ્રેઇન્ડ હ્યુમન સ્પેશિયાલિસ્ટ અને સેફ્ટી ડ્રાઇવર સાથે સેવાઓનો પ્રારંભ કરાશે.

