લંડનમાં 25 વર્ષમાં ભારે જળસંકટ ઘેરાશેઃ વિશ્વના શહેરોમાં દુકાળનું જોખમ

Wednesday 01st June 2022 07:01 EDT
 

લંડનઃ આગામી 25 વર્ષમાં લંડનમાં તીવ્ર જળસંકટ ઉભું થવાનું અને વિશ્વભરના શહેરોમાં દુકાળનું જોખમ હોવાની ચેતવણી ક્રિશ્ચિયન એઈડ ચેરિટીના રિપોર્ટમાં અપાઈ છે. ન્યૂ યોર્ક સિટીમાં પડતા વરસાદથી લગભગ અડધો લંડનમાં પડે છે. ક્લાઈમેટ ચેઈન્જ કટોકટીના કારણે દુકાળની તીવ્રતા અને પ્રમાણ વધી જશે.

લંડનમાં આગામી 25 વર્ષમાં તીવ્ર જળસંકટ ઉભું થઈ શકે છે અને 2050 સુધીમાં બ્રિટનની નદીઓમાં પાણીનું પ્રમાણ લગભગ અડધું થઈ જશે. વિશ્વભરમાં લંડનથી માંડી નવી દિલ્હી અને સિડનીથી કાબૂલ સુધી વિશ્વના 10 મુખ્ય શહેરોમાં પણ ક્લાઈમેટ ચેન્જના કારણે દુકાળની સમસ્યા વધવાનું જોખમ છે.

પૃથ્વીની 70 ટકા સપાટીને આવરી લેતાં જળમાંથી માત્ર 3 ટકા જળ પીવાને યોગ્ય છે અને તેમાંથી મોટા ભાગનું ગ્લેશિયર્સ અને હિમખંડોમાં બંધ છે. વિશ્વના તાજા પીવાના પાણીમાંથી માન ઉપયોગ હેતુનું 0.01 ટકાથી પણ ઓછું પાણી સરોવરો, નદીઓ અને જળાશયોમાં છે. આમ છતાં, વિશ્વમાં જળનો ઉપયોગ 20મી સદીના ગાળામાં વસ્તીવધારાના દરથી પણ બમણા દરે વધતો રહે છે તેમ ચેરિટી જણાવે છે.

એન્વિરોન્મેન્ટ એજન્સીના CEO જેમ્સ બેવનના જણાવ્યા મુજબ 25 વર્ષની અંદર લંડન અને સાઉથઈસ્ટ ઈંગ્લેન્ડમાં પાણીનું સંકટ ઘેરાશે. વધતી વસ્તીના કારણે લંડનની જૂનીપુરાણી વોટર સપ્લાય સિસ્ટમ ભારે દબાણ હેઠળ આવી જશે. 2050 સુધીમાં કેટલીક નદીઓમાં ઉનાળાના મહિનાઓ દરમિયાન 50થી 80 ટકા ઓછું પાણી જોવાં મળશે. થેમ્સ વોટરના અંદાજ મુજબ તીવ્ર દુકાળથી લંડનના અર્થતંત્રને પ્રતિ દિવસ 330 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે. યુકેમાં ક્રિશ્ચિયન એઈડ ચેરિટીના પોલમાં 49 ટકા લોકોએ દુકાળની અસર વિશે ચિંતા પ્રગટ કરી હતી અને 60 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે દુકાળથી કેવી રીતે બચવું તેની માહિતી પણ તેમણે કદી જોઈ નથી. યુકેના ત્રીજા ભાગથી પણ વધુ લોકો એમ માને છે કે દુકાળની અસર હળવી બનાવવા સમૃદ્ધ દેશોએ નાણાકીય મદદ કરવી જોઈએ.

વિશ્વની વસ્તીના આશરે 55 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે પરંતુ, 2050 સુધીમાં આ પ્રમાણ વધીને 68 ટકા થઈ જશે. યુએન દ્વારા ચેતવણી અપાઈ છે કે ઓછી આવકના શહેરવાસીઓએ ખાનગી પેઢીઓ પાસેથી પાણી ખરીદવું પડવાથી પોતાના ધનવાન પડોશીઓની સરખામણીએ પાણીના પ્રતિ લિટર 50 ગણા વધુ નાણા ચૂકવવા પડશે. ગરીબ દેશોના શહેરો પણ સમૃદ્ધ દેશોના શહેરો કરતાં વધુ અસુરક્ષિત રહેશે કારણકે પાણીની તંગી સાથે અનુકૂલન સાધવા તેમની પાસે ઘણા ઓછાં સ્રોતો હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter