લંડનઃ યુકેમાં 30 વર્ષ પહેલાં એક મહિલાની હત્યા માટે અદાલતે ભારતીય મૂળના એક વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી છે. ક્રાઇમ સીન પરથી મળી આવેલા વાળના આધારે 51 વર્ષીય સંદીપ પટેલને મરિના કોપ્પેલની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. 1994માં લંડનના વેસ્ટમિન્સ્ટર એરિયામાં આવેલા એક ફ્લેટમાં મરિનાની 140 ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. લંડનની ઓલ્ડ બેઇલી કોર્ટ દ્વારા સંદીપ પટેલને સજાની સુનાવણી કરાઇ હતી.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, મહિલાની વીંટીમાંથી મળી આવેલો વાળ હત્યારા તરફ દોરી ગયો હતો. અમારી ફોરેન્સિક ટીમે અદ્દભૂત કામગીરી કરી હતી અને આટલા વર્ષો પછી અમે હત્યારાને સજા અપાવી શક્યા છીએ. ફોરેન્સિક સાયન્ટિસ્ટ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ફોરેન્સિક મેનેજર અને ઇન્વેસ્ટિગેશન ટીમના ટીમ વર્કના કારણે અમે મરિનાની હત્યાનું રહસ્ય ઉકેલી શક્યાં છીએ.
ફોરેન્સિક મેનેજર ડેન ચેસ્ટરે જણાવ્યું હતું કે, ફોરેન્સિક ટેકનોલોજીમાં સતત સુધારા થઇ રહ્યાં છે. પોલીસ તેની મદદથી અત્યાર સુધી વણઉકલ્યા રહેલા કેસની સમીક્ષા કરવાનું જારી રાખશે જેથી દોષીઓને અદાલતના કઠેડામાં લાવી શકાય. અમે ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધની હિંસા સંબંધિત કેસો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.


