લંડનઃ પેઢીઓથી યુકેમાં રહેતા ભારતીયો, બિનનિવાસી ભારતીયો (NRIs), અન્યત્ર રહેતા ઈન્વેસ્ટર્સ, અભ્યાસાર્થે યુકે આવનારા વિદ્યાર્થીઓ અને પરિવારોનો સમૂહ લંડનમાં પ્રોપર્ટીની માલિકી ધરાવતા જૂથોમાં સૌથી મોટો હોવાનું લંડનસ્થિત રેસિડેન્સિયલ ડેવલપર બારેટ લંડન- Barratt Londonનું નીરિક્ષણ છે. આના પછી, ઈંગ્લિશ અને પાકિસ્તાની લોકોનો નંબર આવે છે. યુકે અને ભારતમાં રહેતા ભારતીય રોકાણકારો યુકેની રાજધાની લંડનમાં એક, બે અથવા ત્રણ બેડરૂમ એપાર્ટમેન્ટ ખરીદવા પાછળ 290,000થી 450,000 પાઉન્ડની રકમ ખર્ચવામાં જરા પણ પાછું વળીને જોતા નથી. આમ લંડનમાં પ્રોપર્ટીમાલિકો તરીકે ઈંગ્લિશ લોકોની સરખામણીએ ભારતીયો ઘણા આગળ છે.
એક હકીકત એ છે કે મોટા ભાગના ભારતીયો પોતાની કમાણીનો ચોક્કસ હિસ્સો‘ બચત કરે છે જેમાંથી તે ઈન્વેસ્ટમેન્ટ કરે છે. આ ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી અને શેર-સ્ટોકમાં વધુ રહે છે. વાસ્તવમાં, નાઈટ ફ્રાન્ક રિપોર્ટ અનુસાર ભારતના અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (UHNWI)ના 10 ટકા 2022માં નવું ઘર વસાવવાની યોજના ધરાવે છે અને તેઓ ડોમેસ્ટિક માર્કેટમાં પ્રોપર્ટીઝમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે અને તે પછી, યુકે, યુએઈ અને યુએસના આંતરરાષ્ટ્રીય માર્કેટ્સ પર પસંદગી ઉતારે છે. યુકેમાં રાજધાની લંડનની પસંદગી મુખ્ય રહે છે કારણકે તે આર્થિક પ્રવૃત્તિઓનું વૈશ્વિક કેન્દ્ર છે.
બારેટ લંડનના ઈન્ટરનેશનલ સેલ્સ એન્ડ માર્કેટિંગ ડાયરેક્ટર સ્ટુઅર્ટ લેસ્લી૫ના કહેવા મુજબ લંડનમાં પ્રોપર્ટીઝ ખરીદવા તેમજ લોંગ ટર્મ પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવા બાબતે ભારતીય રોકાણકારોની સતત માગણી થતી રહે છે. ઓવરસીઝ માર્કેટના 30 ટકા પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સમાંથી 7થી 8 ટકા ઘર ખરીદનારા ભારતીયો હોય છે.
લંડન ફાઈનાન્સિયલ અને એજ્યુકેશનલ સેન્ટર હોવાની સાથોસાથ રોકાણકારો મમાટે મહત્ત્વનું વૈશ્વિક પ્રવેશદ્વાર પણ છે. લંડન ભારતીય રોકાણકારો અથવા ઘર ખરીદનારાઓમાં લોકપ્રિય છે. લંડન અને મુંબઈમાં પ્રતિ સ્ક્વેર ફૂટ કિંમત લગભગ સરખી છે તેમજ કાનૂની પ્રક્રિયા કે સિસ્ટમમાં પણ સમાનતા હોવાથી ટ્રાન્ઝેક્શન્સમાં ઓછી મુશ્કેલી રહે છે. આથી, ઘર ખરીદનારા ભારતીયો માટે લંડનના રિઅલ એસ્ટેટ માર્કેટ પર નજર નાખવી સરળ બની રહે છે. યુકેનું રેસિડેન્શિયલ રિઅલ એસ્ટેટ માર્કેટ સ્થિર હોવાની સાથે જ યુએઈ અથવા ભારતની સરખામણીએ તેમાં સલામતી વધુ જણાય છે. ભારતીયો લંડનમાં ઘર ખરીદવા કે ઈન્વેસ્ટ કરવામાં લાંબો ઈતિહાસ ધરાવતા હોવાથી ભારતીયોને લંડનના રિઅલ એસ્ટેટ માર્કેટમાં વધુ ભરોસો રહે છે.
અન્ય સંભવિત વૈશ્વિક માર્કેટ્સની સરખામણીએ યુકેનું હવામાન આનંદદાયક છે અને પ્રવાસનો સમય પણ ઓછો રહે છે. યુકે અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓ અને પરિવારોમાં પણ ભારતીયોની સંખ્યા વધુ છે. યુકે સ્કૂલ્સ અને યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં એક જ વર્ષમાં 128 ટકાનો વધારો જોવા મળ્યો છે. સારી શૈક્ષણિક સંસ્થાઓ, કોસ્મોપોલિટન વ્યવહાર, બિઝનેસમાં સરળતા, ભાષાકીય પરિચિતતા અને રોકાણની તકોમાં વૃદ્ધિ સહિતની બાબતોથી ભારતીયો યુકેમાં ઈન્વેસ્ટ કરવામાં વધુ રસ ધરાવે છે.


