લંડનમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળવાની ચેતવણી

રસી ન લીધી હોય તેવા ઓરીથી પીડાતા બાળકને 21 દિવસ આઇસોલેશનમાં રાખવા સૂચના

Tuesday 19th September 2023 12:53 EDT
 

લંડનઃ દેશમાં ઓરીના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ઓરીની રસી ન લીધી હોય તેવા બાળકોને 21 દિવસ માટે આઇસોલેશનમાં રાખવાની ફરજ પડી રહી છે. કાઉન્સિલો દ્વારા ચેતવણી જારી કરાઇ છે કે એકલા લંડનમાં ઓરીના 1,60,000 કેસ નોંધાઇ શકે છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર માતાપિતા બાળકોને ઓરીની રસી ન અપાવતા હોવાથી આ ચેપી રોગનું જોખમ વધી રહ્યું છે.

લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં વાલીઓને જણાવવામાં આવ્યું છે કે જો તેમના સંતાનને ઓરીનો ચેપ લાગ્યો હશે અને જો તેને રસી અપાવવામાં આવી નહીં હોય તો તેને 21 દિવસ માટે આઇસોલેશનમાં રાખવા જણાવાશે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) ના આંકડા દર્શાવે છે કે આ વર્ષના પ્રથમ 6 મહિનામાં ઓરીના 128 કેસ નોંધાયા હતા જ્યારે છેલ્લા એક મહિનામાં 54 કેસ નોંધાયા હતા, જેમાં લંડનમાં 66 ટકા કેસનો સમાવેશ થાય છે.

લંડનમાં માત્ર 75 ટકા બાળકોને પાંચ વર્ષની ઉંમર સુધીમાં ઓરીની રસી અપાઇ છએ જ્યારે સમગ્ર દેશમાં આ પ્રમાણ 85 ટકા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઓરી સામે સમાજમાં રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરવા અને રોગચાળાને રોકવા માટે 95 ટકા રસીકરણની ભલામણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter