લંડનમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા, ચાર દિવસમાં 6ની હત્યા

લંડનની સડકો પર રાહદારીઓની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ, છેલ્લા એક વર્ષમાં 59ની હત્યા,પરા વિસ્તારો પણ અસલામત

Wednesday 24th August 2022 05:58 EDT
 
 

લંડન

લંડનના મેટ્રોપોલિટન ચીફ સુપ્રિટેન્ડેન્ટ સીન વિલ્સન હજુ પણ એમ માને છે કે વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં લંડનનો સમાવેશ થાય છે પરંતુ ગયા શનિવારથી શરૂ કરીને છેલ્લા ચાર દિવસમાં લંડનની સડકો પર જે રીતે હુમલાની ઘટનાઓ સામે આવી તે હિસાબે લંડનની સડકો પર ફરવું સુરક્ષિત રહ્યું નથી. મંગળવારે યુક્રેન યુદ્ધના પીડિતો માટે ભંડોળ એકઠું કરતા 87 વર્ષીય થોમસ ઓહોલોરેન તેમના મોબિલિટી સ્કૂટર પર જઇ રહ્યા હતા ત્યારે ધોળા દિવસે કરાયેલા હુમલામાં તેમનું મોત થયું હતું. સાઉથ ગ્રીનફોર્ડ સ્ટેશન ખાતે નિયમિત રીતે સંગીતની સૂરાવલિઓ રેલાવતા થોમસ સ્થાનિકોમાં ઘણા જાણીતા હતા. તેમના પર હુમલો કરનારા યુવાનો સેકન્ડોમાં ફરાર થઇ ગયા હતા. લંડનની સડકો હવે ધોળા દિવસે પણ સલામત રહી નથી. છેલ્લા એક વર્ષમાં સડકો પર વિવિધ બદઇરાદાઓ સાથે કરાયેલા હુમલાઓમાં 59ની હત્યા થઇ હતી.

સીન વિલ્સન આ હત્યાઓને ઉશ્કેરણી વિનાની હિંસાની આઘાતજનક ઘટનાઓ ગણાવે છે. તેમણે જણાવ્યું હતું કે, હું જાણું છું કે, સમાજ આ હત્યાઓના કારણે ઘણો આઘાતમાં છે. અમે સડકો પર પેટ્રોલિંગ વધારી રહ્યાં છીએ. વધારાના પોલીસ અધિકારીઓ મદદ માટે સડકો પર તહેનાત રહેશે. અમે ભયાનક અપરાધોનો અંત લાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ.

લંડનની સડકો પર વધી રહેલી હિંસાની ઘટનાઓ મામલે મેયર સાદિક ખાનની આકરી ટીકા થઇ રહી છે. ટોરી સાંસદ ચેલ્સિઆ અને ગ્રેગ હેન્ડસે જણાવ્યું હતું કે, સાદિક ખાને લંડનની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નિયંત્રણ મેળવવું જોઇએ. સાદિક ખાને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, હું મેટ્રોપોલિટન પોલીસના ગાઢ સંપર્કમાં છું. પોલીસે સડકો પર અધિકારીઓની સંખ્યા અને પેટ્રોલિંગ વધારી દીધું છે. હું લોકોને પોલીસને માહિતી આપવાની અપીલ કરું છું.

ચાર લોહિયાળ દિવસો

13 ઓગસ્ટ – 2022 શનિવાર – કેસી બૂથ

ઇસ્ટ લંડનમાં વોલધામસ્ટો ખાતે શનિવારે સાંજે આયોજિત એક બાળકની ફર્સ્ટ બર્થડે પાર્ટીના સ્થળની બહાર કેસી બૂથની ગોળી મારીને હત્યા કરાઇ

14 ઓગસ્ટ 2022 – રવિવાર – સોની બૂટી

સાઉથઇસ્ટ લંડનમાં લેવીશામ ખાતે આવેલા મકાનમાં 36 વર્ષીય સોની બૂટીની લાશ મળી આવી હતી. આ માટે 53 વર્ષીય ક્રિસ્ટોફર બેપ્ટિસ્ટની ધરપકડ કરાઇ છે

14 ઓગસ્ટ 2022 – રવિવાર – સ્ટીફન ગૂડમેન

ડેગનહામ ખાતે 60 વર્ષીય સ્ટીફવ ગૂડમેનની એક લડાઇમાં 23 વર્ષીય કોનોર કોવેલીએ હત્યા કરી નાખી હતી. કોવેલીની પોલીસે હત્યાના આરોપસર ધરપકડ કરી છે

15 ઓગસ્ટ 2022 – સોમવાર – અજાણી વ્યક્તિ

વેસ્ટ એન્ડની ઓક્સફર્ડ સ્ટ્રીટ ખાતે એક અજાણ્યા વ્યક્તિની છૂરો મારીને હત્યા કરાઇ હતી. હત્યાના આરોપસર કોરિયન રેસ્ટોરન્ટની બહારથી 50 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરાઇ છે

15 ઓગસ્ટ 2022 – સોમવાર – અઝિઝા બેન્નીસ

ઇલિંગમા એક્ટન ટાઉન સ્ટેશન નજીકના ઘરમાં સ્કૂલ ડીનર લેડી 58 વર્ષીય અઝિઝા બેન્નીસની છૂરાબાજી કરી હત્યા કરાઇ હતી. પોલીસે 21 વર્ષીય હાન્ના બેન્નીસની ધરપકડ કરી હતી

16 ઓગસ્ટ 2022 – મંગળવાર – થોમસ ઓહોલોરેન

એ40 વેસ્ટર્ન એવન્યુ નજીકના કેયટોન રોડ પર 87 વર્ષીય થોમસ ઓહોલોરેનની કેટલાક યુવાનોએ હત્યા કરી નાખી હતી, હત્યા બાદ આરોપીઓ સેકન્ડોમાં ફરાર થઇ ગયા હતા, 44 વર્ષીય શંકાસ્પદની ધરપકડ

 બ્રેન્ટમાં અંધાધૂંધ ફાયરિંગમાં 3ને ઇજા

15 ઓગસ્ટ સોમવારની સાંજે બ્રેન્ટની ડોગ લેન ખાતે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 3 વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેમાંથી 21 વર્ષના એક યુવાનને વિકલાંગ બની જાય તેવી ઇજા થઇ હતી જ્યારે 17 વર્ષનો એક કિશોર પણ ઘાયલ થયો હતો. ત્રણેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જેમાંથી 20 વર્ષના એક યુવાનની સ્થિતિ ગંભીર હતી. પોલીસે જણાવ્યું હતું કે, અમે ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં જ હુમલાખોર ફરાર થઇ ગયા હતા.

ઇપ્સવિચમાં છૂરાબાજીની બે ઘટનામાં મહિલા સહિત 7ની ધરપકડ

ઇપ્સવિચમાં છૂરાબાજીની બે અલગ અલગ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત 7ની ધરપકડ કરી હતી. 15મી ઓગસ્ટેવિક્ટોરિયા સ્ટ્રીટ ખાતે બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ પહોંચી હતી. અહીં પોલીસે પાંચ લોકોની હથિયારો સાથે ધરપકડ કરી હતી. સિવિક ડ્રાઇવ અંડરપાસ ખાતે એક વ્યકિતએ છૂરા વડે એક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લિટલ ગિપ્પિંગ સ્ટ્રીટ ખાતેથી 39 વર્ષીય વ્યક્તિની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

માન્ચેસ્ટરમાં ધોળે દિવસે 7 વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરાયો

ગ્રેટર માન્ચેસ્ટરના ડ્રોયલ્સડેન ખાતે ધોળે દિવસે સડક પરથી 7 વર્ષની એક બાળકીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારાયો હતો. આ માટે પોલીસે 35 વર્ષના એક આરોપીની ધરપકડ કરી છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે, બાળકીને ઉઠાવીને આરોપી વાનમાં લઇ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણે બાળકીને ઝાડીઓમાં સૂમસામ જગ્યાએ છોડી દીધી હતી. બાળકી જેમ તેમ કરીને તેના ઘર નજીકના પાર્ક પાસે પહોંચી હતી અને ત્યાંથી તેને પરિવાર પાસે પહોંચાડવામાં આવી હતી.

બોક્સર ટાયસન ફ્યુરીના પિતરાઇની છૂરાબાજીમાં હત્યા

જાણીતા બોક્સર ટાયસન ફ્યુરીના પિતરાઇની ટ્રેફર્ડ ખાતે ચાકૂ મારીને હત્યા કરવાના આરોપસર બે વ્યક્તિની ધરપકડ કરાઇ છે. 21 ઓગસ્ટે ગૂઝ ગ્રીન એરિયામાં આવેલા એક બારની બહાર બોક્સરનો પિતરાઇ રિકો બર્ટન અને તેનો એક મિત્ર નાઇટ આઉટનો આનંદ માણી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. જેમાં રિકો બર્ટનનું હોસ્પિટલમાં સારવાર હેઠળ મોત થયું હતું જ્યારે 17 વર્ષના કિશોરને સારવાર આપવામાં આવી હતી.

લિવરપુલમાં 28 વર્ષીય યુવતી અને 9 વર્ષની બાળકીની ગોળી મારીને હત્યા

લિવરપુલમા પોતાના બેક ગાર્ડનમાં આરામ ફરમાવી રહેલી 28 વર્ષીય એશ્લી ડેલની ગોળી મારીને હત્યા કરાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, પ્રોપર્ટી પર ઇરાદાપુર્વક હુમલો કરાયો હતો પરંતુ કાઉન્સિલ વર્કર એવી એશ્લી ટાર્ગેટ નહોતી. તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. એશ્લીની હત્યાના એક જ દિવસ બાદ લિવરપુલમાં ઘરમાં ઘૂસી આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં 9 વર્ષની બાળકીનું મોત થયું હતું અને તેના માતાપિતાને ઇજા પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter