લંડનઃ કેનેડા અને ભારતના રાજદ્વારી વિવાદ વચ્ચે હવે યુરોપમાં ખાલિસ્તાનીઓ બેકાબૂ બની ભારતીયો પર હુમલા કરી રહ્યા છે. ગ્લાસગોમાં ભારતીય હાઈકમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા પછી ખાલિસ્તાનીઓએ લંડનમાં તેમના આંદોલનનો વિરોધ કરનારા ભારતીય મૂળના એક શીખ પરિવાર પર હુમલો કર્યો છે.
બ્રિટનમાં ભારતીય મૂળના શીખ હરમનસિંહ ખાલિસ્તાની ચળવળના વિરોધી છે, જેના કારણે તેમને વારંવાર ધમકીઓ આપવામાં આવે છે. હરમનસિંહે જણાવ્યું હતું કે, તેમની બે કાર લોનમાં ઊભી હતી ત્યારે ખાલિસ્તાની સમર્થકોએ તેના પર લોહીનું પ્રતીક લાલ રંગ ફેંક્યો હતો. તેઓ બીજા દિવસે તેની ફરિયાદ કરવા પોલીસ પાસે ગયા તો તેમની કારની વિન્ડસ્ક્રીન તોડી દેવાઈ હતી. તેમની કાર પર કેટલાક અજ્ઞાત લોકોએ ગોળીબાર કર્યો હતો. ખાલિસ્તાની સમર્થકોએ છેલ્લા આઠ મહિનામાં ચાર વખત તેમના પર હુમલો કર્યો છે.
હરમનસિંહે એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેમની ખાલિસ્તાન વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ પછી તેમને હજારો વખત ધમકીઓ મળી છે. ખાલિસ્તાની સમર્થકોએ તેમની પત્ની અને પુત્રીના બળાત્કારની પણ ધમકીઓ આપી છે. તેમને મારા સંતાનોના સ્કૂલનું સરનામું પણ ખબર છે, પરંતુ પોલીસ આ ઘટનાઓ પર કોઈ કાર્યવાહી નથી કરી રહી.
યુકે સ્થિત પત્રકાર અને રિસર્ચર શાર્લોટ લિટિલવૂડે ટ્વિટ કરીને દાવો કર્યો કે 'કપૂર પરિવાર પર હુમલો ચાલુ છે. તેઓ પોલીસની રાહ જોઈ રહ્યા છે, કારણ કે માનવામાં આવે છે કે ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ લંડનમાં તેમના વાહન પર ગોળીબાર કર્યો છે. જેવી આશંકા હતી - કેનેડા વિવાદે ખાલિસ્તાનીઓને પ્રોત્સાહિત કર્યા છે. આપણને આવી વધુ હિંસા જોવા મળી શકે છે.' આ હુમલાઓ અંગે હજુ સુધી યુકે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કરાયું નથી.


