લંડનઃ સ્થાનિક એમિશન્સની સાથોસાથ સમગ્ર યુરોપમાંથી આવેલા વાયુ પ્રદૂષણના કારણે લંડનમાં ઓગસ્ટ 2020 પછી પ્રથમ વખત હાઈ એર પોલ્યુશનની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ચેતવણી લંડન, સાઉથ ઈસ્ટ અને માન્ચેસ્ટર સહિત ઈંગ્લેન્ડના વિસ્તારો માટે છે. લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું છે કે આ નવો એલર્ટ ગુરુવારથી અમલમાં રહેશે.
મેયર સાદિક ખાને લંડનવાસીઓને વાયુ પ્રદૂષણાં મોટા ભાગ ભજવતા બિનજરૂરી કાર પ્રવાસ નહિ કરવા અનુરોધ કર્યો છે. જે વિસ્તારોમાં હવાઈ પ્રદૂષણનું અતિ ઊંચું પ્રમાણ છે ત્યાં લોકોને ખાસ કરીને બહારના સ્થળોએ શારીરિક પ્રવૃત્તિઓ ઘટાડી દેવા જણાવાયું છે. મેયર ખાને લોકોને ચાલતા, સાઈકલ ચલાવતા લોકોનું ધ્યાન રાખવા, એન્જિન કામ વિના ચાલુ નહિ રાખવા તેમજ લાકડાં અને બગીચાનો નકામો કચરો નહિ બાળવાની સલાહ પણ આપી હતી.
DEFRAએ ફેફસાં, હાર્ટની સમસ્યા ધરાવતા તેમજ વયોવૃદ્ધ લોકોએ સખત શારીરિક પ્રવૃત્તિ ટાળવી જોઈએ તેવી સલાહ આપી છે. અસ્થમા ધરાવતા લોકોને રીલિવર ઈન્હેલર સાથે રાખવા સલાહ અપાઈ હતી. સંશોધનો મુજબ 2019માં એર પોલ્યુશનના કારણે વધારાના 1.8 મિલિયન મોત થયાનું પણ જણાવાયું હતું.
ડિપાર્ટમેન્ટ ફોર એન્વિરોન્મેન્ટ, ફૂડ એન્ડ રૂરલ એફેર્સ (DEFRA) અનુસાર હાઈ એલર્ટ લંડનથી ઈપ્સવિચ અને કેમ્બ્રિજ અને વધુ ઉત્તરમાં નોટિંગહામ અને હલને પણ આવરી લે છે. લેસ્ટર, નોર્ધમ્પ્ટન અને માન્ચેસ્ટર પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે છે.
મેયર સાદિક ખાને આ મહિનાની શરૂઆતમાં લંડનના અલ્ટ્રા-લો એમિશન ઝોન (ULEZ)ને સમગ્ર ગ્રેટર લંડન વિસ્તારમાં લાગુ કરવાની યોજના જણાવી હતી. આ યોજના હેઠળ આગામી વર્ષથી જેમના વાહનો એમિશન માપદંડોને સુસંગત નહિ હોય તેવા મોટરિસ્ટને ગ્રેટર લંડનમાં વાહન હંકારવા પ્રતિ દિવસ 12.50 પાઉન્ડ ચૂકવવા પડશે.


