લંડનઃ ગ્રુમિંગ ગેંગ્સની મલ્ટી મિલિયન પાઉન્ડ ઇન્કવાયરીની કન્ઝર્વેટિવ પાર્ટીની માગને લંડન એસેમ્બ્લીએ ફગાવી દીધી છે. એસેમ્બ્લી ખાતે કન્ઝર્વેટિવ સભ્યોએ મેયર સર સાદિક ખાનના બજેટમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં લંડનમાં બાળકોના શોષણની સ્વતંત્ર તપાસ માટે 4.49 મિલિયન પાઉન્ડની ફાળવણી પણ સામેલ હતી.
જોકે આ સુધારા માટે જરૂરી બે તૃતિયાંશ બહુમતી પ્રાપ્ત ન થતાં સુધારા પ્રસ્તાવને 16 વિરુદ્ધ 9 મતથી ફગાવી દેવાયો હતો. એસેમ્બ્લીના લેબર, ગ્રીન, લિબરલ ડેમોક્રેટ અને અપક્ષ સભ્યો દ્વારા તેનો વિરોધ કરાયો હતો. રિફોર્મ યુકેના એક માત્ર સભ્યે કન્ઝર્વેટિવ સુધારાને સમર્થન આપ્યું હતું.
આ પહેલાં ગયા મહિને ટોરી નેતા સુસાન હોલે મેયર સાદિક ખાન પર ગ્રુમિંગ ગેંગ્સ અંગેના સવાલો અવગણવાનો આરોપ મૂક્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે લંડનમાં કેટલી ગેંગ ઓપરેટ કરી રહી છે અથવા તો અગાઉ કેટલી ગેંગ સક્રિય હતી પરંતુ સાદિક ખાને જવાબમાં જણાવ્યું હતું કે, ગ્રુમિંગ ગેંગ એટલે શું તેનો ખુલાસો કરો.
બજેટ સુધારામાં કન્ઝર્વેટિવ સભ્યોએ જણાવ્યું હતું કે, લંડનમાં બાળકોનું સેક્સ્યુઅલ શોષણ કેટલી હદે વ્યાપ્ત છે તે કોઇ જાણતું નથી. દેશના અન્ય સ્થળો ખાતે ગ્રુમિંગ ગેંગ દ્વારા સુનિયોજિત રીતે સગીરાઓ પર બળાત્કારના કિસ્સા સામે આવ્યાં છે ત્યારે આ અપરાધ લંડનમાં પણ આચરાતો હોય તેની સંભાવના ઘણી છે. જે ઇન્કવાયરીમાં પણ ફક્ત 6 શહેરોમાં તપાસ કરાઇ હતી અને તેમાં લંડનનો સમાવેશ કરાયો નહોતો.
લેબર સભ્ય કૃપેશ હિરાણીએ ચોક્કસ રીતે લંડનમાં આ પ્રકારની તપાસની જરૂર હોય તેમ અમારી પાર્ટીને લાગતું નથી.