લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક લંડનમાં ગ્લોબલ એઆઇ વોચડોગની રચના કરવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. ગયા સપ્તાહમાં નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આર્ટિફિશિયલ ટેકનોલોજી માનવ સભ્યતાના અસ્તિત્વ માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. આગામી સપ્તાહમાં રિશી સુનાક અમેરિકાના પ્રમુખ જો બાઇડેન સાથેની મુલાકાતમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે સુરક્ષા વાડ ઊભી કરવાના વિકલ્પો પર ચર્ચા કરશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમો સામે લડવા માટે ડાઉનિંગ સ્ટ્રીટ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીની તર્જ પર લંડનમાં ગ્લોબલ એઆઇ ઓથોરિટીની સ્થાપના કરવા વિચારણા કરી રહી છે. વિયેના સ્થિત ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ન્યુકિલયર એનર્જીના ઉપયોગને મોનિટર કરે છે. આ એજન્સી જેવી જ ગ્લોબલ એઆઇ વોચડોગની રચના કરવાના વિચારને ચેટજીપીટીના સર્જક ઓપનઆઇના સીઇઓ સેમઓલ્ટમેને પણ સમર્થન જાહેર કર્યું છે. ઓલ્ટમેન અને રિશી સુનાક વચ્ચે ગયા સપ્તાહમાં મુલાકાત યોજાઇ હતી. ઓલ્ટમેને જણાવ્યું હતું કે, નવી વોચડોગને સિસ્ટમની ચકાસણી કરવા, ઓડિટ કરવા અને નવી પ્રોડક્ટના સેફ્ટી સ્ટાન્ડર્ડ ચકાસવાનો અધિકાર આપી શકાય.
અન્ય લોકો જિનિવા સ્થિત ઇન્ટરનેશનલ પાર્ટિકલ ફિઝિક્સ લેબોરેટરી સર્નની તર્જ પર સંગઠન તૈયાર કરવાની હિમાયત કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે આ પ્રકારનું સંગઠન સુરક્ષિત એઆઇ રિસર્ચનો પાયો નાખી શકશે.


