લંડનમાં ચાલતા મેળવી શકાય તેવી હેલ્થકેર, શિક્ષણ અને કાર-ફ્રી સ્પેસ સુવિધા

Saturday 17th October 2020 07:27 EDT
 
 

લંડનઃ વિશ્વમાં સારી રીતે ચાલવા મળે તેવા વોકેબલ સિટીઝમાં લંડન, પેરિસ, બોગોટા અને હોંગ કોંગનો સમાવેશ થતો હોવાનું ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેવલપમેન્ટ પોલિસી (ITDP)ના સંશોધનમાં જણાવાયું છે. કાર-ફ્રી જગ્યાઓ, શાળાઓ, હેલ્થકેર અને સામાન્યપણે ટુંકી યાત્રાઓમાં નાગરિકોની સુવિધાના મામલે યુકેની રાજધાની વિશ્વના લગભગ ૧,૦૦૦ શહેરોથી આગળ છે. રિપોર્ટ જણાવે છે કે યુએસમાં શહેરીકરણનો વ્યાપ વધુ હોવાથી ત્યાંના શહેરોમાં ચાલવાથી મેળવી શકાય તેવી સુવિધા ઓછી રહે છે.

ITDPના સંશોધકો કહે છે કે શહેરોને ચાલવાક્ષમ બનાવાય તો આરોગ્યમાં સુધારો આવે, આબોહવાને ગરમ બનાવતા ટ્રાન્સપોર્ટ એમીશન્સમાં ઘટાડો થાય તેમજ મજબૂત સ્થાનિક કોમ્યુનિટીઓ અને અર્થતંત્રોના નિર્માણ થશે. જોકે, ઘણાં ઓછાં શહેરો રાહદારીઓને પ્રાથમિકતા આપે છે અને ત્યાં કાર્સનું વર્ચસ્વ વધુ જણાય છે.

પાંચ મિલિયનથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કોલમ્બિયાનું બોગોટા જ તમામ ત્રણ બાબતો માટે ટોપ ફાઈવમાં આવ્યું હતું. પ્રથમ બાબતમાં ૧૦૦ મીટરની અંદર પાર્ક્સ સહિત કાર ફ્રી સ્પેસમાં રહેતા લોકોનું પ્રમાણ, રાહદારીઓને ચાલવા માટેની શેરીઓ અને ચોગાનોનો સમાવેશ થયો હતો. આનાથી આરોગ્ય વધે છે, કોમ્યુનિટી વચ્ચે સંપર્કો અને રાહદારીઓની સલામતી વધે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર ૧૦૦ મીટરમાં આ બધા સ્થળોના ૮૫ ટકા સાથે પ્રથમ તેમજ આ પછીના સ્થાને મોસ્કો પેરિસ અને લંડન રહ્યા હતા.

બીજી બાબત, હેલ્થકેર અને એજ્યુકેશન સુવિધા સાથે એક કિલોમીટરની અંદર રહેતા લોકોના પ્રમાણની હતી. પ્રથમ રહેલા પેરિસમાં ૮૫ ટકા લોકો આ અંતરમાં રહેતા હતા. આ પછી, પેરુનું લિમા, ચિલીનું સાન્ટિઆગો અને બોગોટા હતું.

ત્રીજી બાબત, સિટી બ્લોક્સની સરેરાશ સાઈઝ હતી. નાના બ્લોક્સથી લોકોને મોટા બિલ્ડિંગોની આસપાસ ભટક્યા વિના જ તેમને જવાના સ્થળે પહોંચવામાં સુવિધા રહે છે. આ બાબતમાં સુદાનના ખાર્ટુમને સૌથી વધુ માર્ક મળ્યા હતા. તેના પછી, બોગોટા, લિમા, પાકિસ્તાનનું કરાચી અને જાપાનના ટોક્યોનો સમાવેશ થયો હતો.

રિપોર્ટમાં ચાલવાનું સરળ અને સલામત હોય, વાયુ પ્રદુષણ ઓછું હોય, સ્થૂળતા ઓછી હોય, બાળકોને રમવાનો સમય વધુ હોય, માર્ગો પર લોકોના મોત ઓછાં હોય, સ્થાનિક બિઝનેસીસનું સારું પરફોર્મન્સ હોય તેમજ અસમાનતા ઓછી હોય જેવાં પુરાવાનો સમાવેશ કરાયો હતો. વિશ્વમાં આ વર્ષે લગભગ ૨૩૦,૦૦૦ રાહદારી માર્ગ અકસ્માતોમાં મોતને ભેટશે તેવી શક્યતા પણ રિપોર્ટમાં દર્શાવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter