લંડન- બ્રિટનમાં સૌપ્રથમ જગન્નાથ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકઠું કરી રહેલી સખાવતી સંસ્થાને ઓડિશાના એક બિઝનેસમેન તરફથી રૂપિયા 250 કરોડનું દાન આપવાનું વચન અપાયું છે. ભારત બહાર મંદિરના નિર્માણ માટે અપાયેલું આ સૌથી મોટું દાન છે. રવિવારે અક્ષય તૃતીયાના પાવન અવસરે યુકેમાં સૌપ્રથમવાર જગન્નાથ સમારોહનું આયોજન કરાયું હતું. જાં ફિનનેસ્ટ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને સ્થાપક બિશ્વનાથ પટનાઇકે યુકેની શ્રી જગન્નાથ સોસાયટીને આ દાન આપવાની જાહેરાત કરી હતી.
આ મંદિરનું નિર્માણ લંડનના પરા વિસ્તારમાં કરાશે અને તે માટે જરૂરી 15 એકર જમીન ખરીદવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પટનાઇક દ્વારા અપાનારા 25 મિલિયન પાઉન્ડ પૈકીના 7 મિલિયન પાઉન્ડને જમીન ખરીદવા માટે ખર્ચાશે. આ માટેની અરજી લોકલ કાઉન્સિલને આપી દેવાઇ છે. મંદિરના પ્રથમ તબક્કાનું નિર્માણ 2024ના અંત સુધીમાં થઇ જવાનો અંદાજ છે.
આ સમારોહમાં યુકે અને આયર્લેન્ડમાંથી 600 કરતાં વધુ શ્રદ્ધાળુ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ભારતીય ડેપ્યુટી હાઇ કમિશ્નર સુજિત ઘોષ અને લેખક અમિષ ત્રિપાઠી પણ હાજર રહ્યાં હતાં.


