લંડનઃ લંડનમાં વિકાર્સ ગ્રીન પ્રાયમરી સ્કૂલમાં 8 વર્ષના હિન્દુ બાળકને તિલક કરવા માટે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. બ્રિટિશ હિન્દુ અને ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાના જણાવ્યા અનુસાર, લંડનની વિકાર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલના કર્મચારીઓએ માસૂમ બાળકને તેની ધાર્મિક પરંપરાઓ અંગે ખુલાસો આપવા દબાણ કર્યું હતું. સ્કૂલના હેડ ટીચર દ્વારા રખાતી સતત દેખરેખ અને દબાણને કારણે 8 વર્ષનો માસૂમ બાળક એટલો ભયભીત થઈ ગયો હતો. એવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે માત્ર તેની ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓને કારણે બાળકને સ્કૂલમાં સોંપવામાં આવેલા જવાબદારીભર્યા હોદ્દાઓ પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો, જે બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત આઘાતજનક સાબિત થયું છે.
બાળકના માતા-પિતાએ અન્ય હિન્દુ વાલીઓ સાથે મળીને સ્કૂલના સત્તાધીશોને હિન્દુ રીત-રિવાજો અને તિલકનું મહત્ત્વ સમજાવવા વારંવાર પ્રયાસો કર્યા હતા. જોકે, સ્કૂલ પ્રશાસને આ બાબતે કોઈ પણ પ્રકારની રુચિ દાખવી નહોતી. સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું કે, કોઈ પણ બાળકને પોતાના ધર્મના કારણે દેખરેખ હેઠળ કે અલગ-થલગ કરવું ન જોઈએ. આવા અનુભવો બાળકના માનસપટ પર ઊંડી નકારાત્મક અસર કરે છે.
વિકાર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલમાં આ પહેલી ઘટના નથી. ધાર્મિક ભેદભાવ અને સંવેદનહીન વાતાવરણને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચાર હિન્દુ બાળકોએ આ સ્કૂલ છોડવી પડી છે.

