લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન, ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન અને સિંગાપોર હાઇ કમિશને લંડનની કિંગ્સ કોલેજ સાથે મળીને ત્રીજી ઇન્ડો પેસિફિક કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ભંગિત વિશ્વમાં સહકાર પર પુનઃવિચારણા કરવા નીતિ ઘડવૈયા, વિદ્વાનો અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો આ કોન્ફરન્સમાં સામેલ થયાં હતાં. કોન્ફરન્સમાં વૈશ્વિક ભૌગોલિક સ્થિતિ, અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીમાં આવી રહેલા બદલાવની ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં કેવી અસર થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
પ્રોફેસર શિતિજ કપુરે કોન્ફરન્સને ખુલ્લી મૂક્યા બાદ સાંસદ સીમા મલ્હોત્રાએ તેમના સંબોધનમાં વિશ્વમાં વધી રહેલા વિભાજન મધ્યે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડો પેસિફિક રિજિયનમાં તાજેતરમાં આવેલા ચક્રવાતોના કારણે ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મલેશિયામાં ભારે વિનાશ થયો હતો. અમે તેમને સહાયની ઓફર કરી છે.
મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં વિભાજન વધી રહ્યું છે ત્યારે ઇન્ડો પેસિફિક રિજિયન મહત્વના પડાવ પર છે. તેથી આપણે સહકાર પર પુનઃવિચારણા કરવી જોઇએ. અનિશ્ચિતતાઓ મધ્યે ઇન્ડો પેસિફિક અને યુરો એટલાન્ટિકે નવી ભાગીદારીઓ અને મજબૂત સંબંધો માટે સાથે મળીને કામ કરવું જોઇએ. યુકે ઇન્ડો પેસિફિક સાથે સંબંધો મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. અમે લાંબાગાળાના વ્યૂહાત્મક સંબંધો ઇચ્છીએ છીએ.


