લંડનઃ યુકે સહિત સમગ્ર યુરોપમાં શિયાળો વધુ તીવ્ર બન્યો છે. સાઇબીરિયન બ્લાસ્ટની અસરને કારણે ભારે હીમ વર્ષા થતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. બ્રિટનમાં ૨૬ વર્ષના ગાળામાં ૧૦ ફેબ્રુઆરી, બુધવારની રાત્રિ દરમિયાન સૌથી ઠંડુ તાપમાન એબેરડીનશાયરના બ્રાએમારમાં -૨૩C (-૯.૨ F) ડીગ્રી નોંધાયું હતું જ્યારે સ્કોટલેન્ડના કિનબ્રેસમાં -૨૧.૨C ડીગ્રી તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત, લંડન વચ્ચેથી પસાર થતી થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પહેલી વખત થીજી ગઈ હતી. હવામાન વિભાગે સમગ્ર યુકે માટે બરફવર્ષા અને આઈસની યલો વેધર વોર્નિંગ ઉપરાંત, પ્રવાસમાં અવરોધોની ચેતવણી પણ આપી હતી. યુકેમાં ગુરુવાર ૧૧ ફેબ્રુઆરીનો દિવસ પણ ઠંડા પવનના સૂસવાટા સાથે ઠંડો રહ્યો હતો અને ઠેકઠેકાણે બરફ પડ્યો હતો. નોટિંગહામમાં -૬.૬C ડીગ્રી અને લંડનમાં -૪C ડીગ્રી તાપમાન રહ્યું હતું. યુરોપના ઘણા દેશોમાં ઠંડી અને ઘાતક બરફવર્ષા થઈ છે. કેટલાય દેશોના મહાનગરોમાં માઈનસ ૧૦C ડીગ્રી કરતાં ઓછું તાપમાન નોંધાવા સાથે ૨ -૩ ફૂટ સુધી બરફ વરસ્યો છે.
સમગ્ર યુકેમાં ૧૯૯૫ પછી સૌથી નીચું તાપમાન એબેરડીનશાયરના બ્રાએમારમાં -૨૩C (-૯.૨ F) ડીગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ પ્રમાણે ગત ૨૫ વર્ષની આ સૌથી ઠંડી રાત હતી. આ પહેલા ૧૯૯૫ની ૩૦મી ડિસેમ્બરે -૨૦C ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત, પણ ઘણા સ્થળોએ સૌથી ઓછા તાપમાનના વિક્રમો નોધાયા હતા. યુકેમાં અગાઉ, જાન્યુઆરી ૨૦૧૦માં હાઈલેન્ડ્સના ઓલ્ટનહારા ખાતે સૌથી નીચું તાપમાન -૨૨.૩C (-૮.૧ F) ડીગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ પ્રમાણે ગત ૨૫ વર્ષની આ સૌથી ઠંડી રાત હતી. આ પહેલા ૧૯૯૫ની ૩૦મી ડિસેમ્બરે -૨૦C ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત, ઘણા સ્થળોએ સૌથી ઓછા તાપમાનના વિક્રમો નોધાયા હતા.
કેપિટલ લંડનમાં પારો ગગડીને વેસ્ટ લંડનના નોર્થોલ્ટમાં -૫.૨C, હીથ્રો ખાતે -૩.૮C અને સેન્ટ્રલ લંડનના સેન્ટ જેમ્સ પાર્ક ખાતે -૧.૮C જેટલો નોંધાયો હતો. લંડનના પરાવિસ્તાર ટેડિંગટનમાં થેમ્સનો કેટલોક ભાગ થીજીને નક્કર સપાટીમાં ફેરવાઈ ગયો હતો અને પક્ષીઓ તેના પર ફરતા જોવા મળ્યા હતા. બ્રિટનમાં ૧૯૬૩ના આકરા શિયાળામાં લંડનમાંથી વહેતી થેમ્સ નદી પર બરફનું પડ છવાયું હતું. ન્યૂ કેસલ અને કેમ્બ્રિજશાયર ખાતે નદીનું પાણી થીજી જવાથી બોટ્સની અવરજવર બંધ કરાઈ હતી.
ગુરુવારે રાત્રે રેવેન્સવર્થ, નોર્થ યોર્કશાયર અને અન્ય શહેરોમાં પારો ગગડીને માઇનસ ૧૫.૩C ડિગ્રી નોંધાયો હતો.
સ્કોટલેન્ડમાં પણ સૌથી ઠંડી રાત્રિ રહી હતી. એડિનબરામાં -૧૩C અને કિનબ્રેસમાં -૨૧.૨C ડીગ્રી તાપમાન રહ્યું હતું. બાકીના યુકેમાં શેફિલ્ડ (-૫.૧C), નોટિંગહામ ( -૬.૬C), ડરહામ (-૭.૪C), અને વેલ્સના સેન્નીબ્રિજ ખાતે -૫.૫C જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. બરફવર્ષાના કારણે સ્કોટલેન્ડ અને ગ્લેન્ડના અર્ધા પૂર્વીય વિસ્તારો, ડેવોન અને સાઉથ-વેસ્ટ વેલ્સમાં મુસાફરીમાં અવરોધોની ચેતવણી પણ અપાઈ હતી. અગાઉ, મંગળવારની રાત્રે સ્કોટિશ હાઈલેન્ડ્સમાં -૧૭.૧C (૧.૨ F) તાપમાન નોંધાયું હતું.
સ્કોટલેન્ડના કેટલાક વિસ્તારોમાં કમર સુધી અથવા ૭૦ સેન્ટમીટર બરફના ઢગ જોવાં મળ્યા હતા. સ્કોટલેન્ડમાં ફેબ્રુઆરી મહિના માટે ૧૯૬૩ની ૧૦ ફેબ્રુઆરીએ સૌથી ઊંડાઈ ૯૧ સેન્ટમીટર બરફનો ઢગ બેરવિકના વ્હાઈટચેસ્ટરમાં જોવા મળ્યો હતો. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ૨૦૧૦ પછીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી અને તાપમાન ગગડીને -૧૧C ડીગ્રી નોંધાયું હતું. ગ્લાસગોમાં ગરીબો અને ઘરવિહોણા લોકો આ ઠંડી વચ્ચે વિનામૂલ્યે મળતું ગરમ ભોજન લેવા લાઈનમાં ગોઠવાયા હતા.


