લંડનઃ લંડનમાં બેડ બગ (માંકડ)નો ઉપદ્રવ નિયંત્રણ બહાર પહોંચી ગયો છે. પેસ્ટ કન્ટ્રોલ કંપનીઓને બેડ બગ્સ અંગે ઢગલાબંધ કોલ મળી રહ્યાં છે.પાઇડ પાઇપર પેસ્ટ કન્ટ્રોલના માલિક ટોની કિંગે જણાવ્યું હતું કે, ઓફિસ, કાર તેમજ ઘરોમાં બેડ બગ્સ મળી રહ્યાં છે. અમારી પાસે ઢગલાબંધ કોલ આવી રહ્યાં છે. અમારી પાસે 8થી 9 મહિના ચાલે એટલું કામ આવી ગયું છે. વેસ્ટ લંડનમાં બેડબગ મહામારી આવી ગઇ છે. વિક્ટોરિયન હાઉસિસમાં મોટા પ્રમાણમાં બેડ બગ્સ જોવા મળી રહ્યાં છે.
કિંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં થયેલા વધારાને કારણે બેડ બગ્સમાં વધારો થયો છે. બીજી સમસ્યા એ છે કે ઘણા લોકોને ત્યાં બેડ બગ્સ હોવા છતાં તેઓ તેની જાણ કરતાં નથી કે તેની સામે કોઇ પગલાં લેતાં નથી.
બેડ બગ્સ લિમિટેડના ડેવિડ કેઇને જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં બેડ બગ્સની અસામાન્ય વૃદ્ધિ જોવા મળી છે અને હવે લાગી રહ્યુ છે કે બેડ બગ્સની સમસ્યા નિયંત્રણ બહાર પહોંચી છે. બેડ બગ્સ ન કેવળ પથારીઓમાં પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, ડોક્ટરની સર્જરીમાં, સિનેમા અને રેસ્ટોરન્ટમાં પણ જોવા મળી રહ્યાં છે.


