લંડનમાં ભારતીય પરિવારની મોતની છલાંગ?

એલિફન્ટ એન્ડ કેસલની 46 માળની હાઇરાઇઝ બિલ્ડિંગના 36મા માળથી પડી જવાના કારણે દંપતી અને પુત્રનું મોત, સામૂહિક આત્મહત્યાની શંકા

Tuesday 09th June 2026 10:17 EDT
 
 

લંડનઃ દક્ષિણ લંડનના એક હાઇરાઇઝ ટાવર પરથી નીચે પડવાના કારણે એક જ પરિવારના 3 સભ્યના કરુણ મોત થયાં છે. પોલીસ આ ઘટનાને શંકાસ્પદ સામૂહિક આત્મહત્યા માની રહી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ભારતમાં જન્મેલા 47 વર્ષીય દંપતી રાકેશ અને અદિતી તેમજ તેમના ગંભીર બીમારીથી પીડાતા 9 વર્ષીય પુત્ર સિડનું આ દુર્ઘટનામાં મોત થયું છે. તેઓ 46 માળની આ હાઇરાઇઝ બિલ્ડિંગના 36મા માળ પર રહેતા હતા. પુત્ર સિડ કિડનીની ગંભીર બીમારીથી પીડાતો હતો અને તેને હોમ સ્કૂલિંગ કરાવવામાં આવતું હતું.

ગયા બુધવારે સવારે આશરે 7.29 કલાકે સાઉથ લંડનના એલિફન્ટ એન્ડ કેસલ વિસ્તારમાં આવેલી અંકલ નામની રહેણાંક ઇમારતમાંથી કેટલાક લોકો નીચે પડ્યા હોવાની માહિતી મળતા જ ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બિલ્ડિંગના પાછળના ભાગમાંથી એક પુરુષ, મહિલા અને બાળક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. બચાવકર્મીઓએ તેમને બચાવવા અથાક પ્રયાસો કર્યા હતા પરંતુ ત્રણેયને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

નામ ન આપવાની શરતે એક મહિલા રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયાથી પાડોશના ફ્લેટમાંથી કોઈ કપલના ઝઘડવાનો અને જોરજોરથી બૂમો પાડવાનો અવાજ આવતો હતો, પરંતુ ત્યાર બાદ બધું શાંત થઈ ગયું હતું

લેબર પાર્ટીના સાંસદ નીલ કોયલે બિલ્ડિંગના રહીશોને પત્ર લખીને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ આત્મહત્યાનો મામલો છે.  હું કલ્પના પણ નથી કરી શકતો કે કઈ પરિસ્થિતિએ એક પરિવારને આટલું ભયાનક પગલું ભરવા મજબૂર કર્યો હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter