લંડનઃ સમગ્ર યુકે અને લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. પ્રજાસત્તાક દિવસ ભારતના બંધારણ અને દેશની લોકશાહીની ભાવનામાં રહેલા ગૌરવને ઉજાગર કરે છે. આ વર્ષની હાઇ કમિશન ખાતેની ઉજવણીમાં વિશેષ આકર્ષણ રાષ્ટ્રગાન વંદે માતરમની 150 વર્ષની લાંબી યાત્રાની ઉજવણી પણ રહી હતી. વંદે માતરમ દરેક ભારતીયને એકતા અને દેશભક્તિની પ્રેરણા આપતું ગાન છે.
હાઇ કમિશન ખાતે પ્રજાસત્તાક દિવસ સમારોહનો પ્રારંભ તિરંગો ફરકાવવા સાથે કરાયો હતો. ત્યારબાદ રાષ્ટ્રગીત જન ગણ મનના ગાન સાથે તિરંગાને સલામી અપાઇ હતી. યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ અપાયેલા દેશ જોગ સંદેશના કેટલાક અંશ વાંચી સંભળાવ્યા હતા. તેમના સંબોધનમાં બંધારણના કાયમી મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને આત્મવિશ્વાસસભર ભારતને આકાર આપવામાં દેશ વિદેશમાં વસતા ભારતીયોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ આયોજિત સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ કલાત્મક વારસાને રજૂ કરાયો હતો જેમાં મહેબૂબ નદીમ દ્વારા સિતારવાદન, અપર્ણા રઘુરામન દ્વારા વાયોલિન વાદન અને તનુશ્રી ગુહા, રૂપશા ચેટર્જી તથા સતરૂપા ઘોષ દ્વારા વંદેમાતરમની ભાવનાત્મક પ્રસ્તુતિ કરાઇ હતી.
પ્રજાસત્તાક દિનની સંધ્યાએ ભારતીય હાઇ કમિશન દ્વારા ગિલ્ડહોલના ગ્રેટ હોલ ખાતે એક સ્વાગત સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પ્રકાશક તંત્રી સી બી પટેલ, સાંસદ શૈલેષ વારા, બેરી ગાર્ડનર, મનોજ લાડવા સહિતના ભારતીય સમુદાયના આગેવાનો અને મહાનુભાવોએ હાજરી આપી સમારોહને દિપાવ્યો હતો..


