લંડનમાં ભારતીય હાઇ કમિશન પરનો હુમલો એક મોટા કાવતરાનો હિસ્સો

ઘણા ખાલિસ્તાન સમર્થકો હથિયારોથી સજ્જ હોવા છતાં પોલીસની લચર કાર્યવાહી

Tuesday 25th April 2023 13:58 EDT
 
 

લંડન – 19 માર્ચના રોજ લંડનમાં સ્થિત ભારતીય હાઇ કમિશન પર ખાલિસ્તાન સમર્થકોના હુમલાને એક મહિનો વીતી ચૂક્યો છે ત્યારે સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ હજુ સુધી ફક્ત એક જ આરોપીની ધરપકડ કરી શકી હતી અને તે પણ જામીન પર મુક્ત થઇ ગયો છે. બ્રિટિશ પોલીસના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય હાઇ કમિશન પરનો હુમલો એક મોટા કાવતરાનો હિસ્સો હતો. ઘણા હુમલાખોરો હથિયારોથી સજ્જ હતા તેમ છતાં પોલીસ લચર કાર્યવાહી કરી રહી છે. લંડન પોલીસની ઢીલી તપાસના કારણે ભારતે તેની પોતાની એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમને તપાસ માટે લંડન મોકલવાનો નિર્ણય કર્યો છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે હુમલામાં મોટાભાગના ખાલિસ્તાન સમર્થક બ્રિટિશ શિખ હતા. તેમાંના મોટાભાગના બ્રિટિશ નાગરિક છે તેથી એનઆઇએ તેમની સીધી પૂછપરછ કરી શકશે નહીં અને તપાસ માટે બ્રિટિશ પોલીસ પર આધાર રાખવો પડશે.

બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ તેમનું નેટવર્ક મજબૂત બનાવી લીધું છે. સોશિયલ ફંડિંગ દ્વારા તેઓ બ્રિટનમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યાં છે. ભારતમાં માનવ અધિકારના ઉલ્લંઘનનો દુષ્પ્રચાર કરીને ખાલિસ્તાન સમર્થક બ્રિટિશ સામાજિક સંગઠનોની સહાનુભૂતિ પ્રાપ્ત કરે છે. બ્રિટનની પોલીસ અને સરકાર ખાલિસ્તાનના મુદ્દાને ભારત સાથે સંકળાયેલો મુદ્દો ગણીને કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter