લંડનઃ લંડનમાં રહેતા ભારતીય અને સાઉથ એશિયન સમુદાયોના 1 મિલિયન પાઉન્ડના મૂલ્યના ઝવેરાતની ચોરી કરનાર 4ને દોષી ઠેરવાયાં છે. ચારેયે ચોરીના આરોપો કબૂલી લીધા હતા. જેરી ઓડોનેલ, બાર્ની મેલોની, ક્વી એડગર અને પેટ્રિક વોર્ડને કુલ 17 વર્ષ જેલની સજા ફટકારાઇ છે.
મેટ પોલીસના ડિટેક્ટિવ લી ડેવિસને જણાવ્યું હતું કે, આ ગેંગ લંડનમાં સાઉથ એશિયન પરિવારોના ઘરોને લક્ષ્યાંક બનાવતી હતી. પોલીસની વ્યાપક તપાસ બાદ આ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ થઇ શક્યો હતો. એક વર્ષ લાંબી તપાસ બાદ પોલીસે જુલાઇ 2024માં આ ગેંગના 3 સભ્યોને ઝડપી લીધા હતા.
અદાલતે ઓડોનેલ, મેલોની અને એડગરને પાંચ-પાંચ વર્ષની કેદ ફટકારી હતી જ્યારે વોર્ડને બે વર્ષ પાંચ મહિનાની જેલ કરાઇ હતી. ચોરીના ઘરેણા હેટ્ટન ગાર્ડન જ્વેલરી શોપ ખાતે ગાળી નંખાતા હતા. આ સ્થળે દરોડા દરમિયાન પોલીસને 8 કિલો સોનાના ઘરેણા અને 50,000 પાઉન્ડ રોકડા મળી આવ્યા હતા.