લંડનઃ લંડનમાં મોબાઇલ ફોનની ચોરી માઝા મૂકી રહી છે. વેસ્ટ એન્ડમાં રોજના સરેરાશ 37 લોકો તેમના મોબાઇલ ફોન ગુમાવી રહ્યાં છે. મેટ્રોપોલિટન પોલીસના આંકડા અનુસાર છેલ્લા 4 વર્ષમાં લંડનમાં મોબાઇલ ફોનની ચોરી અને લૂટની 2,31,000 ઘટનાઓ નોંધાઇ છે. પ્રવાસીઓમાં આકર્ષણ સમાન વેસ્ટ એન્ડમાં આજ સમયગાળામાં 40,000 ફોન ચોરાયાં હતાં.
સ્કોટલેન્ડ યાર્ડના આંકડા દર્શાવે છે કે લંડનમાં ગયા વર્ષે 81,256 મોબાઇલ ફોન ચોરાયાં હતાં. ઘણા લોકો ફરિયાદ ન કરતાં હોવાના કારણે આ આંકડો ઘણો ઊંચો હોઇ શકે છે. લંડનના 217 પરા વિસ્તારોમાં મોબાઇલ ફોન ચોરી અથવા લૂટની ઘટનાઓમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.
લંડનમાં મોબાઇલ ફોનની ચોરીમાં ક્યાં તો ઇલેક્ટ્રિક બાઇક પર સવાર થઇ હાથમાંથી ઝૂંટવી લેવામાં આવે છે અથવા તો ખિસ્સામાંથી તફડંચી કરાતી હોય છે.
પોલીસ કહે છે કે સ્થિતિ ગંભીર બની છે કારણ કે ઓર્ગેનાઇઝ્ડ ગેંગો દ્વાર ચોરાયેલા મોબાઇલ ફોન વિદેશી બ્લેક માર્કેટમાં વેચી દેવાય છે અથવા તો તેના પાર્ટ છૂટા કરીને વેચવામાં આવે છે. વર્ષે 50 મિલિયન પાઉન્ડ કરતાં વધુ મૂલ્યના મોબાઇલ ફોન ચોરાય છે.