લંડનઃ ક્સ્ટડીમાં રિમાન્ડ પર રખાતા દર દસમાંથી લગભગ નવ બાળકો અશ્વેત, એશિયન અથવા વંશીય લઘુમતી પશ્ચાદભૂમિ ધરાવતા હોવાનું આંકડામાં જણાયું હતું. ટ્રાન્સ્ફોર્મ જસ્ટિસ અને હાવર્ડ લીગ ફોર પેનલ રિફોર્મ દ્વારા ફ્રિડમ ઓફ ઈન્ફર્મેશન હેઠળ મેળવાયેલી માહિતી મુજબ લંડનમાં જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે રિમાન્ડ પર રખાયેલા બાળકો પૈકી ૮૭ ટકા BAMEના જ્યારે ૬૧ ટકા અશ્વેત હતા. આ તમામ પર આરોપો ઘડાયા છે અને તેઓ કોર્ટમાં તેમની સુનાવણીની પ્રતીક્ષા કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તે સમયગાળામાં રિમાન્ડ પર રખાયેલા BAME બાળકોની ટકાવારી ૫૪ ટકાથી વધીને ૫૭ ટકા થઈ હતી, જ્યારે ૩૩ ટકા અશ્વેત હતા. ૨૦૧૬ના આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં BAME લોકોની વસતિ ૧૫.૫ ટકા છે.
૨૦૧૭માં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં BAME વ્યક્તિઓ વિશે રિવ્યૂ પ્રસિદ્ધ કરનારા શેડો જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે ન્યાય પ્રણાલિમાં જાતિગત અપ્રમાણસરતા પર કાર્યવાહી કરવામાં સરકારની નિષ્ફળતા અશ્વેત, એશિયન અથવા વંશીય લઘુમતીના લોકો સાથે ગેરવર્તનમાં પરિણમે છે. જાતિગત પશ્ચાદભૂને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો સાથે એકસમાન વર્તન સુનિશ્ચિત કરવા માટે સરકારે લેમી રિવ્યૂની ભલામણોનો અમલ કરવો જ જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની જેલોમાં રહેતા અશ્વેતોની સરખામણીમાં ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોમાં રહેતા અશ્વેતોની સંખ્યા પ્રમાણ વધુ હતી. જૂનમાં લેમીની ૩૫ પૈકી ૧૬ ભલામણો અમલમાં મૂકાઈ હોવાનો દાવો કરીને હાઉસ ઓફ કોમન્સના સાંસદોને
ગેરમાર્ગે દોરવાનો વડા પ્રધાન બોરિસ જહોન્સન પર આક્ષેપ કરાયો હતો. હકીકતમાં તો લેમીની માત્ર છ જ ભલામણોનો સંપૂર્ણ અમલ કરાયો છે.