લંડનમાં રેસિઝમના વિરોધમાં પ્રચંડ દેખાવો

50,000થી વધુ લોકો ઇમિગ્રેશનના સમર્થનમાં સડકો પર ઉતર્યાં

Tuesday 31st March 2026 10:11 EDT
 
 

લંડનઃ રેસિઝમ સામે લંડનમાં શનિવારે વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. શનિવારે બપોરે 1 કલાકે રાજધાનીની સડકો પર હજારો લોકો ઉતરી આવ્યા હતા અને ફાર રાઇટ્સની ઇમિગ્રન્ટ્સ વિરોધી નીતિઓ અને રેસિઝમ વિરોધી પ્લે કાર્ડ સાથે પ્રદર્શન કર્યાં હતાં.

ટુ ગેધર એલાયન્સ દ્વારા આયોજિત આ દેખાવોમાં 5 લાખ લોકો સામેલ થયા હોવાનો દાવો આયોજકો દ્વારા કરાયો હતો પરંતુ મેટ્રોપોલિટન પોલીસના અનુમાન અનુસાર 50,000 લોકો દેખાવોમાં જોડાયા હતા. દેખાવો દરમિયાન ટ્રફાલગર સ્ક્વેર નજીક બે વ્યક્તિની જાહેરમાં ઉપદ્રવ અને સંપત્તિને નુકસાન પહોંચાવાની શંકાના આધારે ધરપકડ કરાઇ હતી. આ દેખાવોમાં લંડનના મેયર સાદિક ખાનનો વીડિયો સંદેશ પ્રસારિત કરાયો હતો જ્યારે ગ્રીન પાર્ટીના નેતા ઝેક પોલન્સ્કી, જેરમી કોર્બિન અને ડિયાન એબોટ્ટ સહિતના રાજકીય નેતાઓ હાજર રહ્યાં હતાં.

દેખાવોમાં શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના યુનિયનો પણ સામેલ થયાં હતાં. વિવિધ જૂથોએ ઇમિગ્રેશનના સમર્થનમાં નારાબાજી કરી હતી. તેમણે દેશમાં વધી રહેલા ફાર રાઇટ પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને એકજૂથ થવા આહવાન કરાયું હતું. તેમણે ફાર રાઇટ સંગઠનો સામે પગલાં લેવાની પણ માગ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter