લંડનઃ લંડનની એક રેસ્ટોરન્ટની બહાર થયેલા ગોળીબારમાં ભારતના કેરળના એર્નાકુલમની 9 વર્ષની કન્યાને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર ગંભીર ઇજાના કારણે લિસેલ મારિયા નામની આ કન્યા જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. ગોળીબારની ઘટના બની ત્યારે લિસેલ અને તેનો પરિવાર રેસ્ટોરન્ટમાં સાંજનું ભોજન જમી રહ્યો હતો. મોટરસાઇકલ પર આવેલા એક હુમલાખોરે રેસ્ટોરન્ટની બહાર બેઠેલા 3 વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. લિસેલ અજીશ અને વિનયાની દીકરી છે અને તેઓ મૂળ કેરળના ગોથુરુથ ગામના રહેવાસી છે.
હેકની પોલીસના ડિટેક્ટિવ ચીફ સુપ્રિન્ટેન્ડેન્ટ જેમ્સ કોનવેએ જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે 9.20 કલાકે હેકનીમાં કિંગ્સલેન્ડ હાઇ સ્ટ્રીટ ખાતે થયેલા હુમલામાં 3 પુરુષ અને 9 વર્ષની લેસલીને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પુરુષો અને લેસલી એકબીજાને ઓળખતાં નથી. ગન ક્રાઇમનો ભોગ એક માસૂમ બાળકી બની છે.


