લંડનમાં વાહન ચલાવો અને ચાર્જ ચૂકવોઃ રોડ પ્રાઈસિંગ સિસ્ટમ આવશે

Wednesday 26th January 2022 04:49 EST
 
 

લંડનઃ મેયર સાદિક ખાનના ગ્રીન પ્લાન હેઠળ લંડનના તમામ વાહનચાલકોએ માઈલ સામે ચૂકવણી કરવાની થશે. મેયર ખાન રોડ પ્રાઈસિંગ સિસ્ટમ દાખલ કરવા માગે છે જેનાથી લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાયકલના ઉપયોગ અથવા જરૂરી હોય ત્યાં ચાલવાની પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરી શકાય. રોડ યુઝર ચાર્જિંગ સરળ અને વાજબી યોજના હશે. જોકે, AA અને RAC સંસ્થાઓ દ્વારા સૂચિત રોડ પ્રાઈસિંગ સિસ્ટમનો વિરોધ કરાયો છે.

લંડનના તમામ વાહનચાલકોએ રાજધાનીમાં તેમની કારનો જેટલા માઈલનો વપરાશ થાય તેના આધારે ચાર્જ ચૂકવવો પડે તેવી યોજના અમલી બનાવાશે. ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડતી ગ્રીન ટેકનોલોજી હજુ કેટલાક વર્ષો સુધી તૈયાર નહિ થાય તેવા સંજોગોમાં મેયર ખાનની ૨૦૨૪માં પૂર્ણ થતી બીજી મુદત પહેલા અમલી બનાવી શકાય તેવા વિકલ્પો વિચારવા ટ્રાન્સપોર્ટ ફોર (TfL)ને જણાવાયું છે. તેમાં સમગ્ર લંડનમાં પ્રવેશ માટે દૈનિક ૧૨.૫૦ પાઉન્ડના ચાર્જ સાથે અલ્ટ્રા લો એમિશન ઝોન (Ulez)ને વિસ્તારવાનો સમાવેશ થાય છે.

Ulez ચાર્જ જૂના મોડેલ્સને જ નહિ પરંતુ, તમામ પેટ્રોલ અને ડિઝલ કાર્સને લાગુ કરાશે. લંડન બહારના ડ્રાઈવર્સને પણ સિટીમાં પ્રવેશવાનો ચાર્જ લગાવવાનું વિચારાઈ રહ્યું છે. લંડનના માર્ગ પર ફરતી કાર્સના માત્ર બે ટકા જેટલી સંપૂર્ણ ઈલેક્ટ્રીક અને અન્ય ઝીરો-એમિશન કાર્સને નવા કોઈ ચાર્જ લાગાવાશે નહિ. મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે તેઓ ૨૦૩૦ પહેલા લંડન કન્જેશન ચાર્જ અને Ulezના બદલે રોડ પ્રાઈસિંગ લાગુ કરવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter