લંડન
18 ઓક્ટોબરના મંગળવારે સવારે 11.45 કલાકે ડાઉનિંગ સ્ટ્રીટ નજીક એક શંકાસ્પદ પેકેટ મળ્યાની માહિતી મળ્યા બાદ પોલીસે વ્હાઇટ હોલ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. મધ્ય લંડનમાં આવેલા વ્હાઇટહોલ વિસ્તારમાં આવેલી તમામ સરકારી કચેરીઓને ખાલી કરાવી દેવામાં આવી હતી. ચાન્સેલર જેરેમી હન્ટને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. લંડનના ટુરિસ્ટ સ્પોટ ગણાતા હોર્સ ગાર્ડ પરેડ ખાતે પણ સેંકડો લોકો એકઠાં થયાં હતાં. તેમને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, વડાંપ્રધાન લિઝ ટ્રસની કચેરી અને નિવાસસ્થાન તરફ જતા માર્ગને પણ બંધ કરી દેવાયોહતો.
સંસદભવન અને ટ્રાફલ્ગર સ્ક્વેર વચ્ચે આવેલા વ્હાઇટ હોલ વિસ્તારમાં વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, કેબિનેટ ઓફિસ સહિત ઘણા મહત્વના સરકારી વિભાગોની કચેરીઓ આવેલી છે.
શંકાસ્પદ પેકેટ મળ્યું હોવાની માહિતીના પગલે સ્પેશિયાલિસ્ટ ઓફિસરો બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે ધસી ગયાં હતાં. પોલીસે પેકેટની ચકાસણી માટે બોમ્બ ડિસ્પોઝલ રોબોટનો ઉપયોગ કર્યો હતો. તપાસ બાદ પોલીસે પેકેટને બિનશંકાસ્પદ જાહેર કરતાં તમામને મોટી રાહત મળી હતી. ત્યારબાદ આ વિસ્તારમાંથી નાકાબંધી હટાવીને સડકને ખુલ્લી મૂકાઇ હતી.


