લંડનઃ ઈંગ્લેન્ડમાં ચાર સપ્તાહ માટે સેકન્ડ લોકડાઉન લાગુ થયાના કલાકો પહેલા હજારો વાહનચાલકોએ રાજધાની લંડનમાંથી હિજરત આરંભી હતી. સમગ્ર રાજધાનીમાં અધધ.. કહેવાય તેવા ૧,૨૦૫ માઈલમાં પ્રસરેલા ૨,૬૨૪ ટ્રાફક જામ જોવા મળ્યા હતા અને અરાજકતા વ્યાપી ગઈ હતી. લંડનમાં ગત ત્રણ દાયકામાં સૌથી ખરાબ ચક્કાજામ હોવાનું કહી શકાય. નોર્થ સર્ક્યુલરમાં તો ટ્રાફિક આઠ માઈલ લાંબો હતો અને લંડનમાં ઓછામાં ઓછી ૯૦ મિનિટ સુધી માર્ગ પર ઉભા રહેવું પડ્યું હતું.
લોકો સેકન્ડ લોકડાઉન અગાઉ શોપિંગના પ્રવાસો અને આનંદપ્રમોદ માણવા બહાર નીકળી પડ્યા હોઈ બુધવાર ૪ નવેમ્બરની સાંજે ચોતરફ ભારે ભીડ જોવા મળતી હતી. વડા પ્રધાન જ્હોન્સને તો ૨ ડિસેમ્બરે લોકડાઉન પૂર્ણ થવાની જાહેરાત કરી હોવાં છતાં, તે ક્રિસમસ સુધી લંબાઈ શકે તેવા ભયે લોકો મોડું થાય તે પહેલા દૂર વસતા પરિવારજનોને મળવા પહોંચી જવાના મિજાજમાં હતા.
ટ્રાફિક જામ બાબતે ટ્વીટર પર જોરદાર ટીપ્પણીઓ જોવા મળતી હતી. સમગ્ર દેશમાં બર્મિંગહામ, લિવરપૂલ અને શેફિલ્ડ સહિતના સ્થળોની પણ આવી જ હાલત હતી. સેકન્ડ લોકડાઉનની જાહેરાત અગાઉ જ નોર્થ વેસ્ટ અને મિડલેન્ડ્સમાં વસતા આશરે ૧૦ મિલિયન લોકો ટિયર -૩ નિયંત્રણો હેઠળ હતા જેમાં, અન્ય પરિવારો સાથે મેળમિલાપ પર પ્રતિબંધ હતો. વધુ ૨૦ મિલિયન લોકો ઘરમાં જ મિત્રો અને પરિવારો સાથે મુલાકાત પર પ્રતિબંધ ફરમાવતા બીજા ક્રમના નિયંત્રણો હેઠળ હતા. ગુરુવારની મધરાતથી વધુ સખત નિયમો લાગુ થવા સાથે લોકો લોકડાઉન પહેલા મોટાં શહેરોથી દૂર ગામડાંનાં ઘરોએ પહોંચી જવા ઉતાવળિયા થયા હતા.