લક્ષ્મી મિત્તલના પિતા મોહનલાલ મિત્તલનું 99 વર્ષની વયે નિધન

મોહનલાલ મિત્તલને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઘણો લગાવ હતોઃ નરેન્દ્ર મોદી

Tuesday 20th January 2026 09:15 EST
 
 

લંડનઃ આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલના પિતા અને ઉદ્યોગપતિ મોહનલાલ મિત્તલનું 15 જાન્યુઆરીના રોજ તેમના લંડન સ્થિત નિવાસસ્થાને 99 વર્ષની વયે નિધન થયું હતું. લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, મારા પિતા થોડા મહિના બાદ જ 100 વર્ષના થવાના હતા. તેઓ મજબૂત ધાર્મિક આસ્થા ધરાવતા અસામાન્ય વ્યક્તિ હતા. તેઓ આજીવન નૈતિકતાના પૂજારી રહ્યા હતા.

લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, મારા પિતા ભારતના રાજસ્થાનના રાજગઢના એક નાનકડા ગામના સામાન્ય પરિવારનું સંતાન હતા. બાળપણથી તેઓ પ્રતિબદ્ધ અને સંજોગો સામે બાથ ભીડનાર હતા. તેઓ દ્રઢપણે માનતા કે આકરો પરિશ્રમ જ સફળતાની ચાવી છે તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા અને વાણિજ્યમાં ઘણો રસ ધરાવતા હતા.

તેમણે જણાવ્યું હતું કે, બિઝનેસમાં અદ્વિતીય સફળતાઓ છતાં તેઓ પરિવારના ગાઢ મિત્ર બની રહ્યાં હતાં. પરિવાર જ તેમના કેન્દ્રસ્થાને રહેતો હતો. મોહનલાલ મિત્તલ તેમની પાછળ પાંચ સંતાન, તેમના જીવનસાથી, 11 ગ્રાન્ડ ચિલ્ડ્રન અને તેમના જીવનસાથી સહિત 22 ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રનનો બહોળો પરિવાર મૂકી ગયાં છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહનલાલ મિત્તલના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મોહનલાલ મિત્તલે ઉદ્યોગજગતમાં પોતાને સ્થાપિત કર્યાં હતાં. તેઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઘણો લગાવ હતો. તેઓ સક્રિય રીતે સખાવતી કાર્યોમાં સંકળાયેલા હતા જે તેમની સામાજિક પ્રગતિ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter