લંડનઃ બહેનના લગ્નના રિસેપ્શનમાં બે પરિવારો વચ્ચે થયેલા ઝગડામાં કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કરી એક વ્યક્તિનું મોત નિપજાવનાર 25 વર્ષીય હસન ઝાંગુરને હત્યા માટે દોષી ઠેરવાયો છે. શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, ઝાંગુરે પહેલા તો સામા પક્ષના ખાન પરિવારના પિતાને કાર વડે ટક્કર મારી હતી અને ત્યારબાદ પત્ની અને બે સંતાનો સાથે ચાલવા નીકળેલા ક્રિસ મેરિયોટ્ટને કાર વડે કચડી નાખ્યા હતા. ક્રિસ તે સમયે સડક પર પડેલી ઝાંગુરની બહેનને મદદ કરી રહ્યા હતા. આ ઘટનામાં ક્રિસનું મોત થયું હતું જ્યારે અન્ય 3ને ઇજા પહોંચી હતી જેમાં ઝાંગુરની માતા અને એક અન્ય બહેન પણ સામેલ હતાં. ત્યારબાદ ઝાંગુરે તેના નવા બનેવી હસન ખાન પર ચાકુના સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતા. ઝાંગુરે હત્યાનો અપરાધ કબૂલવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ તેણે ભયજનક ડ્રાઇવિંગના કારણે ક્રિસનું મોત થયું હોવાનું સ્વીકાર્યું હતું.


