લઘુમતી સમુદાયોને જુગારથી વધુ નુકસાન: રિસર્ચ

જુગારના કારણે આમથિક જ નહીં પરંતુ આરોગ્યને પણ નુકસાન થાય છે, બ્રિટનમાં તેની સારવાર ઉપલબ્ધ છે

પરામિતા પુરકાયસ્થ Wednesday 29th March 2023 05:17 EDT
 
 

લંડન

માન્ચેસ્ટર યુનિવર્સિટીના સહયોગથી ક્લિયર વ્યૂ રિસર્ચ અને ઇપ્સોસ યુકે સાથે મળીને ગેમ્બલઅવેર દ્વારા હાથ ધરાયેલા રાષ્ટ્રવ્યાપી સરવેના આધારે તૈયાર કરાયેલા રિસર્ચ અનુસાર શ્વેત બ્રિટિશ બહુલ જૂથોના 48 ટકાની સરખામણીમાં લઘુમતી સમુદાયોના ફક્ત 31 ટકા લોકો ગેમ્બલિંગ કરતાં હોય છે તેમ છતાં શ્વેત લોકો કરતાં તેમને વધુ નુકસાન ભોગવે છે. જુગારમાં 20 ટકા શ્વેત લોકોને નુકસાન થાય છે જ્યારે 42 ટકા લઘુમતી સમુદાયના જુગારીઓ નુકસાન ભોગવે છે.

રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જુગારના કારણે થતા નુકસાન સાથે ઘણા પરિબળો સંકળાયેલાં હોય છે. જેમાં આવકનું સ્તર, સામાજિક અસમાનતા અને પક્ષપાતનો અનુભવ પણ સામેલ છે. ગુજરાત સમાચારે રિસર્ચની અસરો અને સંજોગો અંગે જાણકારી મેળવવા ઇપ્સોસના રિસર્ચ મેનેજર જો વ્હીલર સાથે વાત કરી હતી. વાચકોએ અહીં એ વાતની નોંધ લેવી જોઇએ કે આ રિસર્ચમાં ગેમ્બલિંગ ઓપરેટર્સ અને કાયદાની જાળવણી કરતા લોકોના અભિપ્રાય સામેલ કરાયાં નથી. તેઓ લઘુમતી સમુદાયોના ગ્રાહકોને કેવી રીતે જૂએ છે તે અંગેની માહિતી રિસર્ચમાં સામેલ કરાઇ નથી તેથી લઘુમતી સમુદાયોના લોકો પર કાયદા અને નિયમોની કેવી અસર થાય છે તે અંગે જો અમારા સવાલોના જવાબ આપી શક્યા નથી.

રિસર્ચ મેનેજર જો વ્હીલર સાથેની વાતચીત

સવાલ – લઘુમતી સમુદાયોના લોકો જુગારના જોખમોની કેટલી જાણકારી ધરાવે છે?

જવાબ – આ રિસર્ચના આંકડા દર્શાવે છે કે જુગારના નુકસાનના જોખમનો સામનો કરતા લઘુમતી સમુદાયો એવું માનતા હોઇ શકે કે તેમને વધુ માહિતીની જરૂર છે અથવા તો જુગારની આદત ઓછી કરવા માટે વધુ સહાયની જરૂર છે. પરંતુ જુગારની આદત કેવી રીતે ઓછી કરવી તે અંગેની જાણકારી તેઓ ધરાવતા નથી. અમારા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે લઘુમતી સમુદાયોમાં જુગાર સંબંધિત સહાય અંગે ઘણી ઓછી જાગૃતિ હોય છે. આ સમુદાયોના લોકો એમ માને છે કે જુગારના કારણે સમાજમાં તેમની બદનામી થાય છે તેથી કેટલાક લોકો જુગારના જોખમો અંગે ખુલીને ચર્ચા કરી શક્તા નથી કે મદદ મેળવી શક્તા નથી.

સવાલ – જોખમો હોવા છતાં શા માટે લઘુમતી સમુદાયોના લોકો જુગારના રવાડે ચડે છે?

જવાબ – શ્વેત બહુમતી લોકો કરતાં લઘુમતી સમુદાયોના લોકો ખર્ચને સરભર કરવા માટે જુગારના રવાડે ચડતાં હોય છે. લઘુમતી સમુદાયો મધ્યે જુગારથી થતા નુકસાનના જોખમો અને સુનિયોજિત વંશીય ભેદભાવ અથવા તો પક્ષપાતના અનુભવ વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. અમે રિસર્ચમાં જોયું છે કે ઓછી આવક ધરાવતા પરિવારો અને લઘુમતી સમુદાયો મધ્યે જુગારના નુકસાનના સંકેતો વચ્ચે મજબૂત સંબંધ હોય છે જ્યારે શ્વેત બહુમતી બ્રિટિશરોમાં આવું કશું જોવા મળશતું નથી. જે દર્શાવે છે કે લઘુમતી સમુદાયોમાં જુગારના નુકસાન અને અછત વચ્ચે સીધો સંબંધ છે.

સવાલ – પક્ષપાતનો સામનો કરતા લોકો માટે જુગાર કેવી રીતે કોપિંગ મિકેનિઝમ તરીકે કામ કરે છે?

જવાબ – અમારા રિસર્ચમાં ભાગ લેનારાઓએ જણાવ્યું હતું કે કેવી રીતે રોજિંદા જીવનની હાડમારીઓમાં જુગાર રાહત આપે છે. ચોક્કસ ગેમ્બલિંગ સ્પેસમાં તેઓ એક અલગ સમુદાયના હોવાની લાગણી અનુભવે છે અને તેમને ખોટી રીતે જોનારા ત્યાં કોઇ હોતાં નથી.

સવાલ – શું જુગારનો સામાજિક સ્તરે પ્રભાવ પડે છે? પોતાની નિકટની વ્યક્તિઓની જુગારની આદત એક વ્યક્તિના જુગાર રમવાના નિર્ણય પર કેવી રીતે પ્રભાવ પાડે છે?

જવાબ – અમારા રિસર્ચમાં સ્પષ્ટ સામે આવ્યું છે કે પરિવાર અને મિત્રોની જુગાર રમવાની આદત અને વ્યક્તિને જુગારથી થતા નુકસાન વચ્ચે સીધો સંબંધ છે. જુગાર સામાન્ય બાબત ગણાય છે તેવા વાતાવરણમાં ઉછરેલા લોકોમાં આ બાબત ચોક્કસપણે જોવા મળે છે. જુગાર અંગે ખુલીને ચર્ચા થતી નથી તેવા ચોક્કસ સમુદાયોમાં જુગાર અંગે પોતાના પરિવારજનો સાથે વાત કરવામાં અથવા મદદ માગવામાં અવરોધો નડતા હોવાથી જુગારના કારણે થતું નુકસાન વધુ રહે છે.

સવાલ – જુગારની લતની પરિવાર અને સમાજ પર કેવી અસર પડે છે?

જવાબ – જુગાર ધાર્યા કરતાં જાહેર આરોગ્યનો વધુ ગંભીર મુદ્દો છે. જુગારના કારણે થતા નુકસાનની વાત આવે ત્યારે ક્યાં તો આર્થિક નુકસાન અથવા તો સંબંધોમાં સર્જાતી મુશ્કેલીઓની જ વાત કરાય છે પરંતુ જુગાર લોકોના જીવનના તમામ પાસાને નુકસાન કરે છે. જુગારના કારણે માનસિક અને શારીરિક આરોગ્ય જોખમાય છે. કામકાજ અને સામાજિક જીવન પર પણ અસર પડે છે. જુગારના આદિઓને એમ લાગે છે કે તેમનું આ આદત પર કોઇ નિયંત્રણ નથી.

સવાલ – શું જુગારની આદતમાંથી છૂટકારો મેળવવા માટે કોઇ સપોર્ટ ઉપલબ્ધ છે?

જવાબ – જેમને જુગારના કારણે વધુ નુકસાન થતું હોય તેમના માટે સારવાર ઉપલબ્ધ છે. નેશનલ ગેમ્બલિંગ ટ્રીટમેન્ટ સર્વિસિઝ દ્વારા આ સારવાર મેળવી શકાય છે. ગેમ્બલઅવેર દ્વારા એનએચએસ સાથે મળીને આ સારવાર ઉપલબ્ધ કરાવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter