લંડનઃ પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી સમુદાયો પર થઇ રહેલા અત્યાચારો અટકાવવા પાકિસ્તાન પર દબાણ લાવવા બ્રિટિશ સાંસદોએ સરકારને અપીલ કરી છે. સંસદમાં થયેલી ચર્ચામાં બ્રિટિશ સાંસદોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં 12 વર્ષ જેટલી નાની હિન્દુ અને ખ્રિસ્તી કિશોરીઓનું અપહરણ કરી મુસ્લિમો સાથે પરણાવી ઇસ્લામ અંગીકાર કરવાની ફરજ પડાય છે.
હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં હિન્દુ, ખ્રિસ્તી, એહમદિયા અને શિયા મુસ્લિમો વ્યાપક ભેદભાવ, સતામણી અને હિંસાનો નિયમિત રીતે સામનો કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી સમુદાયોની સ્થિતિ દિન પ્રતિદિન બદતર બની રહી છે. બ્રિટિશ સરકારે પાકિસ્તાનને અપાતી આર્થિક સહાયમાં શરતો લાગુ કરવી જોઇએ. યુકેની સરકારે પાકિસ્તાન પર દબાણ લાવવા માટે ભાવિ વેપાર કરારોમાં પણ આ મામલો ઉઠાવવો જોઇએ.
પાકિસ્તાનમાં વિનાશ પામી રહેલી ધાર્મિક સ્વતંત્રતા પરની ચર્ચામાં સાંસદ જિમ શેનોને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ઇશનિંદા કાયદા વિશ્વમાં સૌથી આકરા છે. ઘણીવાર લઘુમતીઓ પર ઇશનિંદાના ખોટા આરોપ થોપી દેવામાં આવે છે. ઝનૂની ટોળાઓ દ્વારા તેમની હત્યા કરાય છે અને કોઇને સજા થતી નથી. સરકારે પાકિસ્તાન પર ઇશનિંદા કાયદામાં પણ સુધારાનું દબાણ કરવું જોઇએ.


