લંડન
મોદી અટક પર ટિપ્પણી માટે લલિત મોદી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે યુકેની અદાલતમાં ઘસડી જશે. ભારતમાં આઇપીએલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવનારા લલિત મોદીએ રાહુલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે હું મોદી અટક અંગેની ટિપ્પણી માટે રાહુલ ગાંધી સામે યુકેની અદાલતમાં ખટલો માંડીશ. 2019ના એક કેસમાં તાજેતરમાં જ સુરતની એક અદાલતે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને બે વર્ષ કેદની સજા આપી છે. રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે બધા ચોરની અટક મોદી શા માટે હોય છે.
લલિત મોદીએ સંખ્યાબંધ ટ્વીટમાં જણાવ્યું હતું કે, કયા આધારે રાહુલ ગાંધી મને ભાગેડૂ ગણાવી રહ્યાં છે. મને હજુ કોઇ કેસમાં સજા થઇ નથી અને હું એક સામાન્ય નાગરિક છું. ગાંધીના સાથીઓ મને ભાગેડૂ ગણાવી રહ્યાં છે. શા માટે. હું એક સામાન્ય નાગરિક છું અને ભારતના વિપક્ષના નેતાઓ રાજકીય કિન્નાખોરીથી અથવા તો પૂરતી માહિતી ન હોવાના કારણે મને ભાગેડૂ કહી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લલિત મોદી આઇપીએલ ટુર્નામેન્ટના આયોજનમાં આર્થિક ગેરરિતીઓ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યાં છે. તેઓ 2010થી ભારત છોડીને બ્રિટનમાં વસવાટ કરી રહ્યાં છે.


