લંડનઃ ભારતમાં આર્થિક અપરાધોનો સામનો કરી રહેલા ભાગેડુ લલિત મોદીએ પ્રત્યર્પણથી બચવા માટે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને વનુઆતુની નાગરિકતા સ્વીકારી હતી. પરંતુ વનુઆતુના વડાપ્રધાન જોથામ નાપટે લલિત મોદીનો વનુઆતોનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.
નપાટે જણાવ્યું હતું કે, લલિત મોદીની વનુઆતુની નાગરિકતા રદ કરવા માટેની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા મેં સિટિઝન કમિશનને સૂચના આપી દીધી છે. વનુઆતુની નાગરિકતા આપવાની પ્રક્રિયામાં લલિત મોદીના ઇન્ટરપોલ સ્ક્રિનિંગ સહિતના તમામ સ્ટાન્ડર્ડ બેકગ્રાઉન્ડની ચકાસણી કરાઇ હતી જેમાં તેમને અપરાધી ઠરાવાયા નથી. પરંતુ મને છેલ્લા 24 કલાકમાં જાણકારી અપાઇ છે કે ઇન્ટરપોલે પુરતા પુરાવા ન હોવાના કારણે ભારતીય સત્તાવાળાઓની એલર્ટ નોટિસ જારી કરવાની અરજી બે વાર નકારી હતી. જો આ પ્રકારનું કોઇપણ એલર્ટ જારી કરવામાં આવે તો લલિત મોદીની નાગરિકતા માટેની અરજી આપોઆપ રદ થઇ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, વનુઆતુની નાગરિકતા ગૌરવની બાબત છે પરંતુ તે અધિકાર નથી. વનુઆતુની નાગરિકતા માટે વ્યાજબી કારણ હોવા જરૂરી છે. લલિત મોદી તેમના પ્રત્યર્પણને અટકાવવા સિવાય અન્ય કોઇ કારણ ધરાવતા હોય તેમ લાગતુ નથી. મને અપાયેલી માહિતી લલિત મોદીના ઇરાદા જાહેર કરે છે.
લલિત મોદીએ પેસિફિક મહાસાગરમાં આવેલા નાનકડા દેશ વનુઆતુની નાગરિકતા મળ્યા બાદ લંડનમાં ભારતીય હાઇ કમિશન સમક્ષ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો.