લંડનઃ વર્ષ 2010માં કરચોરી, મની લોન્ડરિંગ અને આઈપીએલ સાથે જોડાયેલી પ્રોક્સી માલિકીના આરોપો વચ્ચે ભારત છોડીને બ્રિટન ભાગી આવેલા આઈપીએલના સ્થાપક લલિત મોદીએ જાહેરાત કરી છે કે તેમને બ્રિટિશ નાગરિકતા મળી ગઈ છે. ઓક્સફર્ડ યુનિયનના એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે લલિત મોદીએ આ જાહેરાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લલિત મોદીને બ્રિટિશ નાગરિકતા મળવાથી તેમને ભારત ખાતે પ્રત્યર્પિત કરવાની શક્યતાઓ સંપૂર્ણપણે ખતમ નહીં તો ઘણી ઓછી જરૂર થઈ ગઈ છે. લલિત મોદીને યુકેનું નાગરિકત્વ મળવાથી દેશનિકાલ જેવા સંભવિત પગલાંના દરવાજા બંધ થઈ ગયા છે, જેના કારણે હવે ભારત પાસે ઔપચારિક પ્રત્યર્પણ જ એકમાત્ર કાનૂની માર્ગ બચ્યો છે. વર્ષ 2012માં યુકેએ સ્થાનિક કાયદાઓનો હવાલો આપી લલિતના દેશનિકાલની ભારતની અરજી ફગાવી હતી
શનિવારે 'X' પરની એક પોસ્ટમાં લલિત મોદીએ ખુલાસો કર્યો હતો કે તેમણે 15 સપ્ટેમ્બરના રોજ એક ખાસ સમારોહમાં પરિવાર અને મિત્રો સાથે પોતાની નાગરિકતાની ઉજવણી કરી હતી. તેમણે લખ્યું હતું કે, બ્રિટિશ બનવું એ એક વિશેષાધિકાર અને જવાબદારી છે જેને હું ગર્વ, કૃતજ્ઞતા અને પોતીકાપણાની સાચી ભાવના સાથે સ્વીકારું છું. મારી જીવનયાત્રા વિવિધ સંસ્કૃતિઓ અને અનુભવોથી ઘડાઈ છે, અને જે દેશને હું ગર્વથી મારું ઘર કહું છું તેમાં સકારાત્મક યોગદાન આપવાનું ચાલુ રાખવા માટે હું ઉત્સુક છું. તેમણે ઓક્સફર્ડ યુનિયનનો આભાર માન્યો હતો અને અંતમાં "ગોડ સેવ ધ કિંગ!" લખ્યું હતું.


