લંડનઃ વેઇટિંગ લિસ્ટમાં બદતર સ્થિતિનો સામનો કરી રહેલી એનએચએસની હોસ્પિટલોના હજારો દર્દીઓને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો અથવા તો અન્ય એનએચએસ હોસ્પિટલોમાં સારવારની ઓફર અપાશે જેથી તેમને ઝડપથી સારવાર ઉપલબ્ધ થઇ શકે.
હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સ એનએચએસની હોસ્પિટલો પ્રત્યે કેરટ એન્ડ સ્ટિકનું વલણ અપનાવી રહ્યાં છે. તેઓ 50 ટકાથી વધુ દર્દીઓ સારવાર માટે છેલ્લા દોઢ કરતાં વધુ વર્ષથી રાહ જોઇ રહ્યાં છે તેવા 15 હોસ્પિટલ ટ્રસ્ટ સામે કડક પગલાં લેવાની પણ માગ કરી રહ્યાં છે.
રૂટિન સારવાર માટે 78 સપ્તાહનું વેઇટિંગ નાબૂદ કરવાનું લક્ષ્યાંક તો ગયા વર્ષે જ હાંસલ કરી શકાયું નહોતું. લાંબા સમયથી સારવાર માટે રાહ જોઇ રહ્યાં હોય તેવા દર્દીઓની સંખ્યામાં હજારોનો વધારો થયો છે. એનએચએસના વડાઓનું માનવું છે કે 65 સપ્તાહ કરતાં વધુના વેઇટિંગને નાબૂદ કરવાનું લક્ષ્યાંક આ વખતે પણ તેઓ ચૂકી જશે. હવે આ લક્ષ્યાંક સપ્ટેમ્બર 2024 પર ઠેલી દેવામાં આવ્યો છે.
વિક્ટોરિયા માને છે કે એનએચએસનું કોઇ ટ્રસ્ટ સારી કામગીરી બજાવતું ન હોય તો તેના કારણે કરદાતાઓ પર બોજો વધવો જોઇએ નહીં. અમે 40 સપ્તાહ કરતાં વધુ સમયથી સારવારની રાહ જોઇ રહેલા દર્દીઓને હવે અન્ય હોસ્પિટલોમાં સારવારનો વિકલ્પ આપી રહ્યાં છીએ. અમે વેઇટિંગ લિસ્ટ વધુ હોય તેવા એનએચએસ ટ્રસ્ટોની જવાબદારી નક્કી કરવાની પણ તૈયારી કરી રહ્યાં છીએ.